વડોદરા : વડોદરા શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરની છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ હતી. જેને લઇ વડોદરાની એમએસ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાંસદ રંજન ભટ્ટને કસ્ટમ અને ઇમિગ્રેશનની માન્યતા આપતો પત્ર સુપ્રત કર્યો છે. જેને લઇ હવે વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે કાર્યરત થઈ શકે છે. સાંસદે જણાવ્યું કે, હવે ગલ્ફ કંટ્રીની કોઈ પણ ફ્લાઇટ શરૂ કરી શકાય છે.
વિદેશ જનાર માટે ખુશીના સમાચાર :ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. પરંતુ વડોદરા શહેરમાં ડોમેસ્ટિક એરપોર્ટથી લઈ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. ત્યારે વિદેશ જનારા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાથી વિદેશ જનારા પ્રવાસીઓ વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઈ ત્યારબાદ તેઓ વિદેશ જઈ શકતા હતા. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર થતાં પ્રવાસીઓ વડોદરા એરપોર્ટથી ગલ્ફ કંટ્રી માટે હાલમાં ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. હવે ટૂંક જ સમયમાં વડોદરા એરપોર્ટથી આ સેવા શરૂ કરવામાં આવશે.
ગત મહિને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું :ગત 18 ફેબ્રુઆરીના રોજ વડોદરા એરપોર્ટ અને રાજ્ય સરકારને ગૃહ મંત્રાલય દ્વારા એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાની માન્યતા આપવા માટે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ નિરીક્ષણ ટીમો દ્વારા આ એરપોર્ટ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જે કંઈ અસુવિધાઓ છે. તેને સંપૂર્ણપણે યોગ્ય કરવામાં આવે તેવી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ નિરીક્ષણના ઠીક એક મહિના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા ગેજેટમાં પ્રસિદ્ધ થયેલો કસ્ટમ ઈમિગ્રેશનની માન્યતાનો પત્ર સાંસદને આપવામાં આવતા વડોદરા શહેરને એક નવી ભેટ પ્રાપ્ત થઈ છે.
સાંસદે આભાર વ્યક્ત કર્યો :આ અંગે સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય લેવલના એરપોર્ટની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માટેની પ્રક્રિયા ચાલુ હતું. વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તે માટેના પત્રના અદાન પ્રદાનના માધ્યમથી એરપોર્ટ ખાતે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વડોદરા શહેરના અરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્લાઇટ માટેની મંજૂરી મળી ગઈ છે. સાંસદ રંજન ભટ્ટ દ્વારા વડોદરાની જનતા અને તેઓના વતી વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હવે વડોદરા એરપોર્ટથી ગલ્ફ કંટ્રીની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જેથી પ્રવાસીઓને ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને અન્ય એરપોર્ટ પર નહીં જવું પડે.