વડોદરા :આજના આધુનિક સમય અને ઇન્ટરનેટના સમયમાં ઘણા કામ સરળ થયા છે. પરંતુ આ તમામ કામો સાથે ઇન્ટરનેટ ઉપયોગ થકી યુઝરે નુકસાની પણ ભોગવવી પડતી હોય છે, ત્યારે હવે ગૂગલે તેના પ્લે સ્ટોર પર જેટલી લોન અને ફાઇનાન્સિયલ કાર્યોને લગતી એપ્લિકેશન છે. તેના માટે એક નવા પ્રકારની પોલિસી નિર્ધારિત કરી છે. જે 31 મે 2023થી લાગુ પડવા જઈ રહી છે. આ અંગે ખાસ ETV BHARAT સાથે સાયબર એક્સપર્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
હવે યુઝરને રાહત મળશે : આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ઇન્સ્ટન્ટ લોનના નામે ગોરખ ધંધો સૌથી મોટો ચાલતો હતો અને અગાઉ પણ ETV BHARATના માધ્યમથી એક મુહીમ ચલાવી હતી. ત્યારે સાયબર અવેરનેસ કરવા માટેના પ્રયાસો કરાયા હતા. ગુગલની નવી પોલીસી અનુસાર હવેથી લોન એપ્લિકેશન યુઝરના મોબાઈલની અંદરના મહત્વના અને અગત્યના ડેટા પર કોઈપણ પ્રકારની તરાપ મારી શકશે નહીં. જેમ કે યુઝરના મોબાઈલની ગેલેરીનો એક્સેસ અને યુઝરના કોન્ટેક્ટમો એક્સેસ લઈ શકશે નહીં.
એપ લે ભાગુ એપ્લિકેશન પ્લેસ્ટોર : મહત્વની બાબત એ છે કે ઇન્સ્ટન્ટ લોન આપતી ઘણી એપ લેભાગુ એપ્લિકેશન પ્લે સ્ટોર પર હતી. આવી એપ્લિકેશન યુઝરના મોબાઈલના ગેલેરી અને કોન્ટેકનો એક્સેસ મેળવીને લોકોને હેરાન પરેશાન કરતી હતી. એમના પરિચિતોને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. ઇન્સ્ટન્ટ લોન લેનારના ગેલેરીમાં ઉપલબ્ધ ફોટાઓને મોર્ફ કરીને એને વાયરલ કરવામાં આવતા હતા. જેનાથી ઇન્સ્ટન્ટ લોન લેનાર લોકોને આત્મહત્યા કરવાની પણ ફરજ પડી હતી. તો ઘણા સામાજિક રીતે બદનામ પણ થયા હતા.