વડોદરા :વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વ્યક્તિએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે. વાઘોડિયાની યુવતીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ વિદેશ મોકલવાની સંપૂર્ણ કામગીરી કરી દેવાના બદલામાં રુ. 18 લાખથી વધુ લઈ લીધા બાદ કામ ન કરી આપ્યું. ઉપરાંત રૂપિયા પણ પરત ન આપતા યુવતીએ વાઘોડિયા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
શું છે મામલો ? આ અંગે મળતી વિગત અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામે દરબાર ફળિયામાં રહેતી ચૈતાલી કલ્યાણસિંહ મહિડા BA ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીના વર્ષ 2019 માં મહુધાના મહિસા ગામ ખાતે લગ્ન થયા હતા. યુવતી UK, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયા જવા માંગતી હોવાથી વર્ષ 2022 માં અમદાવાદના વસ્ત્રાપુર ખાતે IELTS ના ક્લાસ શરૂ કર્યા હતા. ક્લાસ પૂરા થયા બાદ તે પોતાના ગામ પરત આવી ગઈ હતી.
એજન્ટનો સંપર્ક થયો : આ દરમિયાન આમોદર ગામમાં રહેતા યાત્રીક પટેલ અને શ્યામલ કાઉન્ટીમાં રહેતા કૃતાર્થ પટેલે યુવતીને ફોન કરી જણાવ્યું હતું કે, તમે વિદેશ જવા માંગતા હોવ અને તમારે એજન્ટની જરૂર હોય તો તે વાઘોડિયા માડોધર રોડ પર મયુર બિપીનચંદ્ર પટેલ કામ કરી દેશે. યુવતી વિદેશ જવા માંગતી હોવાથી અને મયુર બિપીનચંદ્ર પટેલ વાઘોડિયાનો હોવાથી તેનો ફોન ઉપર સંપર્ક કર્યો હતો.
રુ. 18 લાખ પડાવ્યા : જેમાં તેણે જણાવ્યું કે વિઝા કઢાવી આપવા સુધીનું કામ કરું છું. આ અંગે અમદાવાદ મિટિંગ કરી જે દરમિયાન મયુર પટેલે જણાવ્યું હતું કે, હું એમ.કે. ઇમિગ્રેશનના નામથી વિઝા કંપની ચલાવું છું અને એડમિશનથી લઇને વિઝા કઢાવી આપવા સુધીનું કામ કરું છું. તે માટે રૂપિયા 18 થી 20 લાખનો ખર્ચ થશે. યુવતીને મયુર પટેલ ઉપર વિશ્વાસ આવતા અને વિદેશ જવા માટે ખૂબ જ આતુર હોવાથી અલગ અલગ સ્લેબમાં નક્કી થયા મુજબ રૂપિયા 18,97,500 આપ્યા હતા.
એજન્ટ થયો ગાયબ : જાણવા મળતી માહિતી મુજબ સમય મર્યાદામાં યુવતીને વિઝા સમયસર ન મળતા તેણે રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી. જેમાં એજન્ટ ગોળ-ગોળ જવાબ આપતો અને ચૂકવેલ રકમ પરત ન આપતા આખરે યુવતીએ વાઘોડિયા પોલીસ મથકમાં મયુર પટેલ સામે અરજી કરી હતી. આથી આરોપી મયુરે રકમ આપવા માટે યુવતીને લેખિત બાંહેધરી આપી હતી. ઉપરાંત રૂપિયા 10 હજાર રોકડા આપ્યા અને બાકીના રૂપિયા કરાર મુજબ આપવા કહ્યું હતું.
છેતરપિંડીનો મામલો : જોકે બાદમાં પણ બાકી રહેલા રૂપિયા પરત ન આપી આરોપીએ ફોન બંધ કરી દેતા યુવતી મયુર પટેલને રૂબરૂ મળવા પહોંચી હતી. યુવતીએ રૂપિયા માગતા આરોપીએ નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી ધમકી આપી હતી. આખરે યુવતીએ એમ.કે. ઇમિગ્રેશનના સંચાલક આરોપી મયુર બિપીનચંદ્ર પટેલ સામે રૂપિયા 18,97,500 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે મયુર પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી :વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બનેલી ઘટનાને લઈને યુવતીએ આરોપી મયુર પટેલ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની ધરપકડ બાદ જ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. એટલું જ નહીં પરંતુ આ આરોપીએ આવા કેટલા ઇસમો ચૂનો લગાવ્યો છે તે પણ બહાર આવે તો કોઈ નવાઈ નહીં.
- Vadodara News: ડભોઇ મહાલક્ષ્મી કો ઓપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા રુપિયા 3.15 કરોડની છેતરપિંડી
- Kheda Crime : નડીયાદમાં સરકારી નોકરીની લાલચ આપી 53 લાખની છેતરપિંડી