વડોદરાઃશહેરના હરણી પોલીસ સ્ટેશનમાં કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીએ દુષ્કર્મની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે. આ યુવતી પોતાની બહેન સાથે સામાન લેવા દુકાને જતી હતી. તે દરમિયાન ત્રણ ઈસમો બાઈક પર આવ્યા હતા. ને એકે હું તારી સાથે દુષ્કર્મ કરીશ કહીને ધમકી આપી હતી. ત્યારે આ મામલે કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીએ 6 ઈસમો સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃSurat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ
આરોપીએ ધમકી આપી ફરાર:પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક યુવતી રહે છે, જે કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એક સપ્તાહ પહેલા સાંજના સમયે તે તેની બહેન સાથે ચાલતા દુકાનમાં સામાન ખરીદવા માટે જતી હતી. તે વખતે બાઈક પર સવાર 3 ઈસમો બંને બહેનોની નજીક આવ્યા હતા અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, જેથી બંને બહેનોએ અપશબ્દો ન બોલવા માટે કહેતા ત્રણ પૈકી એક ઈસમે યુવતીને દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સ ફરાર થઈ ગયા હતા.
મિત્રોએ સમજાવવાનો પ્રયાસ કર્યો:બાદમાં ગભરાયેલી આ બંને બહેનો ઘરે પરત આવી ગઈ હતી. જોકે, પિતા કોઈ કારણોસર દિલ્હી ગયા હતા અને તેમનો સંપર્ક ન થતા આખરે તેમણે 2 મિત્રોની મદદ લીધી હતી. ત્યારબાદ 2 દિવસ પછી બંને બહેનો પોતાના મિત્રો સાથે રાત્રે 10 વાગ્યાની આસપાસ નજીકમાં આવેલી મેડિકલ સ્ટોર પાસે બેઠી હતી. તે વખતે ધમકી આપનારા આ ત્રણે ઈસમો ત્યાંથી પસાર થતા હતા. ત્યારે મારા મિત્રોએ તેમને બોલાવી સમજાવ્યા હતા પણ સમજ્યા નહતા.
6 ઈસમો દ્વારા મારપીટ સાથે ધમકી:આ ત્રણેય આરોપીઓએ યુવતીના મિત્રો સાથે પણ મારામારી કરી હતી. ત્યારબાદ બૂમાબૂમ કરાતા તેમના પિતા દોડી આવ્યા હતા. એટલે ત્રણેય શખ્સ ફરાર થઈ ગયા હતા. જોકે, 15 મિનીટ બાદ અન્ય 3 ઈસમો અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને મારા બંને મિત્રોને ગડદાપાટુનો તેમ જ કમર પટ્ટા વડે માર મારવા લાગ્યા હતા. તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃAhmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો
હરણી પોલીસ મથકમાં ફરિયાદ:હરણી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદમાં 5 અજાણ્યા ઈસમો સાથે એક વિશાલ નામના યુવાનને ઓળખતી હોવાનું જણાવ્યું છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 6 ઈસમો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે હરણી પોલીસ ઈન્સ્પેક્ટર એસ. આર. વેકારીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં આ તમામ 6 ઈસમો સામે તપાસ ચાલુ છે. આમાંથી એકનું નામ મળ્યું છે. જ્યારે આ તમામ ઈસમોને આસપાસના વિસ્તરોમાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપથી ઝડપી લેવામાં આવશે અને વધુ કાર્યવાહી કરાશે.