વડોદરા : શહેરમાં અજાણ્યા શખ્સે શિક્ષકને ભોળવીને બેંક ખાતામાંથી 1,99,400 રૂપિયાની ઠગાઈ કરી છે. અજાણ્યા શખ્સે સરકારી શાળાના શિક્ષકને બેન્ક કર્મચારીની ઓળખ આપી હતી. સમગ્ર મામલાને લઈને શિક્ષકે રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે સાયબર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
શિક્ષક સાથે છેતરપિંડી : ફરિયાદ અનુસાર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હેતલભાઈ ફરજ બજાવે છે. વર્ષ 2022 એપ્રિલ મહિના દરમિયાન તેમને મોબાઇલ ફોન દ્વારા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ SBI બેંકના કર્મચારી તરીકે રાજેન્દ્ર પ્રસાદ હોવાની આપી હતી. આ દરમિયાન તેઓ એક બેન્ક કર્મચારી હોય તેવું જણાવ્યું હતું. તમારી SBI યોનો એપ્લિકેશન બંધ છે. તેને ચાલુ કરવાની છે, આ અંગે હેતલભાઈ જોતા તે એપ્લિકેશન ખરેખર બંધ હોવાથી હેતલભાઇએ વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી યોનો એપ્લિકેશનમાં લિમિટ વધારવાના બહાને પાંચ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 1,99,400ની રકમ પડાવી લીધી હતી.
સાયબર પોલીસ મથકમાં ફરિયાદ :સાયબર પોલીસ દ્વારા આ મામલે તપાસમાં રૂપિયા 25 હજારની રકમ BDS બેંક ખાતામાં ટ્રાન્સફર તેમજ 1 લાખ 74 હજારથી વધુની રકમ વાઉચરની ખરીદી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે વાઉચરનો ઉપયોગ કરનાર, મોબાઈલ ધારક અને બેંક ખાતા ધારક વિરુદ્ધ ગુનો નોંધી ઠગાઈ આચરનાર શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.