વડોદરા : સાયબર ક્રાઇમ દ્વારા આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટની કોપી બનાવી લોકોની જાણ બહાર રૂપિયા ઉપાડી લઈ ફ્રોડ કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી વિવિધ કંપનીના મોબાઈલ, ફિંગર પ્રિન્ટ ડિવાઇસ, સીમકાર્ડ, લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને શખ્સોની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર બનાવ : સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવતા તેઓના બેન્ક ખાતામાંથી વિવિધ તારીખોમાં 10,000ના કુલ 10 ટ્રાન્જેક્શન પેટે એક લાખ રૂપિયા જાણ બહાર ઉપડી ગયા હતા. જેના ઓટીપી અને અન્ય કોઈ ટ્રાન્જેક્શન મેસેજ તેઓને પ્રાપ્ત થયો ન હતો. સમગ્ર મામલે બેંકમાં તપાસ કરતા બેંકના કર્મચારીઓ તેઓને જણાવ્યું કે, આ તમામ રૂપિયા તમારા આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટથી ઉપડેલા છે. જેથી તેઓને છેતરપિંડી થઇ હોવાનું જનતા તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ :ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. શખ્સોએ ફરિયાદીના ખાતામાંથી 1 લાખ રૂપિયાની રકમ જાણ બહાર ટ્રાન્ઝેક્શન કરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ બંને શખ્સો સામે આઇપીસી કલમ 420 અને આઈ.ટી એક્ટ હેઠળ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બે શખ્સોની ધરપકડ : સમગ્ર મામલે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ અને ફાઇનાન્સિયલ એનાલિસિસના આધારે બે શખ્સો સંડાવેલા હોવાનું બહાર આવ્યું હતું. સાયબર ક્રાઇમે આ બંને શખ્સોની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ સંજીવકુમાર બારીયા, સતીશ ભાભોરની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.