વડોદરાઃ કોંગ્રેસના અસંતુષ્ઠ જૂથ અને ભાજપના સભ્યોએ સાથે મળીને વડોદરા જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળ્યા બાદ બજેટ માટે મળેલી સામાન્ય સભામાં સભ્યો દ્વારા વિવિધ મુદ્દે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વિકાસ કમિશનર દ્વારા ફાળવવામાં આવેલી રૂપિયા 15 કરોડની ગ્રાન્ટ સભ્યોને રૂપિયા 3 લાખના બદલે રૂપિયા 5 લાખ સરખે ભાગે વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લા પંચાયતનું 20.05 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર - ભાજપ
વડોદરા જિલ્લા પંચાયતની મળેલી વિશેષ બજેટ બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ-2020-21નું રૂપિયા 20.05 કરોડનું બજેટ સર્વાનુંમને મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ બેઠકમાં સભ્યોને વિકાસ કામો કરવા માટે રૂપિયા 3 લાખના બદલે રૂપિયા 5 લાખની ગ્રાન્ટ આપવાના કામને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
ગ્રાન્ટની ફાળવણી મુદ્દે કરજણના સભ્ય સુરેશભાઇ વસાવાએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. બજેટની સભા પૂર્વે એવી શંકા સેવાઇ રહી હતી કે, ગ્રાન્ટ ફાળવણી મુદ્દે સભા તોફાની બનશે. પરંતુ, સભા શાંતિપૂર્ણ પૂરી થઇ હતી. આ ઉપરાંત બજેટની સભામાં વર્ષ-2020-21ની ડાયરી, સાંસદને જિલ્લા પંચાયતમાં ચેમ્બર ફાળવવા, પ્રમુખના બંગલામાં સુધારા-વધારા કરવા વિગેરે કામોને સર્વાનુંમતે મંજૂરી આપવામાં આવી હતી. બજેટની બેઠક દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.