વડોદરાઃસુજલામ સુફલામ યોજના અંતર્ગત કરજણ તાલુકાના માકણ ગામના તળાવમાંથી પોતાની માલિકીના સર્વે નંબર 117 ની જમીનમાં માટી પુરાણ કરવા માટે ફરિયાદીએ પંચાયતમાં અરજી કરી હતી. જે અરજીના આધારે પંચાયતે ઠરાવ કરી આપ્યો હતો. જે બાદ મામલતદાર કચેરી કરજણ દ્વારા ફરિયાદીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને પંચકયાશની કાર્યવાહી કરી હતી.
50,000ની લાંચની માગણી કરી હતી:ત્યારબાદ કરજણ મામલતદાર કચેરી ખાતેથી ફોન કરીને ફરિયાદીને ઓફિસમાં મળવા માટે બોલાવ્યા હતા અને નાયબ મામલતદાર એ જણાવ્યું હતું કે,તમારો પંચકયાશ થઈ ગયો છે, પરંતુ અમારા વ્યવહારનું શું ? આમ કહીને રૂપિયા 50 હજારની નાયબ મામલતદાર (વહીવટ) રાજેશભાઈ પટેલે ફરિયાદી પાસેથી માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે આ કામ અર્થે રૂપિયા 30,000 આપવાનો સોદો નક્કી થયો હતો.
એસીબી ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા:ફરિયાદી પોતાના કામ અર્થે મામલતદારને રૂપિયા 30,000 ની લાંચ આપવા માંગતા ન હતાં. જેથી ફરિયાદીએ એસીબી ભરૂચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ ઘટના અંગે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે મદદનીશ નિયામક પી.એચ.ભેસાંણીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસીબીના પીઆઇ એસ.વી. વસાવાએ છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન નાયબ મામલતદાર રાજેશ મહેન્દ્રભાઈ પટેલે ફરિયાદી પાસે રૂપિયા 30,000 ની લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ લેતા નાયબ મામલતદાર રાજેશ પટેલ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં.