વડોદરાઃ શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે મંગળવારે એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ભારે ચકચાર મચી હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોને ધ્યાનમાં રાખીને તત્કાલ પોલીસે ઘટના સ્થળે પર પહોંચી ટોળાને વિખેરી નાંખ્યું હતું. આ સાથે મુખ્ય આયોજક સહિત 50થી વધુ લોકોની અટકાયત કરી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા ખોડિયાર નગર ચાર રસ્તા પાસે મંગળવારે 5 કલાકના અરસામાં એક ધાર્મિક કાર્યક્રમને લઈ હજારોની સંખ્યામાં એકજ સમાજના લોકો એકત્ર થયા હતા. ધાર્મિક યાત્રા રૂપે ભેગા થયેલા લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા અને સરકારના નીતિ નિયમોની ઐસી તૈસી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. આ અંગેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મુખ્ય આયોજકો સહિત આયોજનમાં સામેલ મહિલા-પુરુષ સહિત 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ એપેડમિક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખોડિયાર નગર ચાર રસ્તા ધાર્મિક કાર્યક્રમમાં ભીડ ભેગી થઈ સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા સમગ્ર ઘટના અંગે DCP લકધિરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખોડિયાર નગર વિસ્તારમાં વહેલી સવારે 5 કલાકે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું. પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી અને જે ટોળું ભેગું થયું તેને વિખેરી દેવામાં આવ્યું છે. મુખ્ય આયોજકો સહિત આયોજનમાં સામેલ 50 જેટલાં લોકોની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામા ભંગ તેમજ એપેડમિક એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક તેમજ મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. તેવામાં ખોડિયાર નગર વિસ્તારમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં 1000થી વધુ લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્ટ જળવાયું ન હતું અને લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. જયારે સ્થળ પર પહોંચેલી પોલીસ અને લોકો વચ્ચે નજીવું ઘર્ષણ અને બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, પોલીસે ટોળાને વિખેરી કાયદેસરની કાર્યવાહી કરી 50થી વધુ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.