વડોદરા : બુધવારે આ ઘટના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં બની હતી. પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા એક દલિત સમાજના 68 વર્ષિય વૃધ્ધના ગામના એક માત્ર સ્મશાનમાં સવર્ણોએ અંતિમ સંસ્કાર કરવા દીધા ન હતા.આ મૃતદેહ 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યો હતો. છેવટે દલિતોને સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. દલિત સમાજ સાથે થયેલ આ કૃત્યથી રોષિત દલિત સમાજના અગ્રણીઓએ વડુ પોલીસ મથકે અંતિમ સંસ્કાર ન કરવા દેનાર સરપંચના પતિ સહિત 13 સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેને લઇને આજે પોલીસે સરપંચના પતિ સહિત 13 લોકોની ધરપકડ કરી છે. ગામમાં અગમચેતીના પગલાં લઇને પોલીસ પાર્ટી પણ તહેનાત કરવામાં આવી છે.
અંતિમવિધિ અટવાઈ : આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચી હતી. અંતિમ યાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત સવર્ણો આવી પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા.
અમારા ગામમાં જે થયું છે તે દુઃખભરી ઘટના છે. જે કાકાને મૃત્યુ થયું છે એને અગ્નિ સંસ્કાર આપવા નથી દીધો. જે ઘડીએ લાશ લઇને નીકળ્યા તે ઘડી હજાર પબ્લિક ભેગા થઇને મારા ઘરવાળાને ઊભા રાખ્યો અને કહ્યું કે જો તું આ લાશ બાળશે તો તારી માથે પડશે અને અમે તને ગામમાં રહેવા ના દઇએ...સ્થાનિક મહિલા
વૃદ્ધનું કુદરતી મોત : જાણવા મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આવેલા દલિતવાસમાં રહેતા 68 વર્ષીય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે સવારે અવસાન થયું હતું. કંચનભાઇનું અવસાન થતાં પરિવાર અને ફળિયામાં ગમગીની ફેલાઇ ગઇ હતી. સમાજના લોકો પણ આવી પહોંચ્યા હતા. તમામ લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી.
ભારે વિવાદ સર્જાતાં પોલીસ ઘટનાસ્થળે : અંતિમ સંસ્કાર અટકાવી દેતા દલિત સમાજ અને સવર્ણો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઇના મૃતદેહના લગભગ 15 કલાક સુધી અંતિમ સંસ્કાર ન થયા. વિવાદ સર્જાતા વડુ પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે પણ આ સામાજિક વિવાદ હોઇ, વિવેક બુધ્ધિનો ઉપયોગ કરી સુખદ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સવર્ણોએ ગામના સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમ સંસ્કાર નહિં કરવા દેવા માટે અડગ રહ્યા હતા.
ગામેઠામાં દલિતોને ફાળવેલ જગ્યા હતી ત્યાં પાણી ભરાયેલા હતાં તેથી એવું નક્કી કર્યું કે ગામમાં અન્ય સ્મશાન છે ત્યાં અંતિમ સંસ્કાર કરવા. બટ એ જાણવા મળ્યું કે કેટલાક લોકોમાં રેસિસ્ટન્સ હતાં, પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. છેવટે એવું થયું હતું કે ગામવાળા લોકોએ લાકડી વગેરે ભેગા કરીને એક જગ્યાએ અંતિમ સંસ્કાર કર્યાં હતાં. ગઇકાલે મૃતકના ઘરવાળાઓ પોલીસ સ્ટેશન આવ્યાં હતાં અને ફરિયાદ કરી હતી કે તેમને અંતિમ સંસ્કાર કરવા ના પાડી હતી અને જાતિસૂચક શબ્દો બોલવામાં આવ્યાં હતાં.ફરિયાદ કરી છે તેમાં 13 લોકો હાલ પોલીસ કસ્ટડીમાં છે અને ડીવાયએસપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે અને ગામમાં એક પોલીસ પાર્ટી ત્યાં ગામમાં તહેનાત છે....રોહન આનંદ (એસપી વડોદરા જિલ્લા)
વડુ પોલીસ મથકે પહોંચ્યો મામલો :જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતિવાદના કૃત્યના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે પાદરા તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ ભરતભાઇ સહિતના લોકો વડુ ખાતે પહોંચી ગયા હતા. અને મૃતકના વ્યક્તિના પરિવાર અને સમાજના લોકો સાથે ખતમ કરો..ખતમ કરો..જાતિવાદ ખતમ કરોના સૂત્રોચ્ચાર સાથે વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને ગામના સ્મશાનમાં દલિત સમાજના વ્યકિતના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.
વડુ પોલીસ મથકમાં ફરિયાદ 13 સામે ફરિયાદ : ગામના દલિત સમાજના વૃધ્ધનું અવસાન થયું હતું. ગામ લોકોએ તેઓના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. આજે દલિત સમાજના લોકોએ વડુ પોલીસ મથકમાં ગામેઠા ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- Ahmedabad News : ગુજરાતમાં દલિત યુવાનોની જ હત્યાને લઇને મેવાણીએ સરકાર પર કર્યા આક્ષેપો
- Vadodara Crime : વડોદરામાં દાલબાટી ખાવા મામલે મારામારી થતાં યુવકનું મૃત્યુ, પરિવાર ન્યાય મળે પછી મૃતદેહ સ્વીકારશે
- Ahmedavad news: મહેસાણામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો