કુલ 16,888 રૂપિયાની કિંમતનું દૂધ ચોર્યું વડોદરા : દિન પ્રતિદિન આપે સાંભળ્યું જ હશે કે તસ્કરોએ ઘરફોડ ચોરી કે અન્ય સ્થળે ચોરી કરી ફરાર થાય પરંતુ ક્યારે સાંભળ્યું છે કે દૂધની ચોરી થઈ હોય. આવો જ બનાવ બન્યો છે સંસ્કારીનગરી વડોદરામાં કે જ્યાં બરોડા ડેરીના દૂધના 3 કેન્દ્રો પર દૂધ ભરેલા કેરેટ્સની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં 16,888 રૂપિયાની કિંમતની અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ દૂધની થેલીઓની ચોરી થઈ છે. ત્રણેય કેન્દ્રો પર દૂધના કેરેટની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવીમાં દેખાયો ચોર આ ઘટનામાં સીસીટીવીમાં દૂધના કેરેટમાંથી એક તસ્કર દૂધની થેલીઓ સ્કૂટરમાં મૂકતો દેખાય છે. આ ત્રણેય કેન્દ્રો પર એક જ શખસે દૂધના કેન્દ્રો પર ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સીસીટીવી ફૂટેજ આધારે ગોત્રી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ભાયલી રોડ પર અક્ષર ઉપવનમાં રહેતા મુકેશ બાલાભાઈ મકવાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હું વાસણા-ભાયલી રોડ પર આનંદ વિલા કોમ્પ્લેક્ષમાં શ્રીજી ફરસાણ નામની દુકાન અને બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવુ છું. અમારા બરોડા ડેરીના કેન્દ્ર પર રોડ સવારે 6 વાગ્યે બરોડા ડેરીથી દૂધ ભરેલી કેરેટો દૂધના ટેમ્પાવાળા આવીને મૂકી જાય છે અને હું સવારે 8 વાગ્યે દુકાને આવું છું અને દુકાનની બહાર મૂકેલી દૂધના કેરેટ ચેક કરી લઉ છું. પરંતુ ગત 28 જૂનના રોજ રોજની જેમ ટેમ્પાવાળો દૂધના કેરેટ મૂકીને ગયો હતો. ત્યારબાદ હું સવારે 8 વાગ્યે દુકાન પર આવ્યો હતો. મેં દૂધના કેરેટ ચેક કરતા અમૂલ ગોલ્ડના 4 કેરેટ અને અમૂલ શક્તિના 4 કેરેટ ઓછા હતાં..મુકેશ બાલાભાઈ મકવાણા(દૂખ કેન્દ્ર સંચાલક)
એક જ વ્યક્તિએ બે કેન્દ્ર પર ચોરી કરી : આ ઉપરાંત ઓલ્ડ પાદરા રોડ પર રહેતા બહાદુર ખડગ બીષ્ટ ઓલ્ડ પાદરા રોડ પર રાજલક્ષ્મી કોમ્પ્લેક્સની સામે ખુલ્લામાં બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવે છે. તેમના ત્યાંથી 27 જૂનના રોજ અમૂલ ગોલ્ડના 4 કેરેટ અને અમૂલ શક્તિના 2 કેરેટની ચોરી થઈ હતી. આમ 2892 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ અને 1356 રૂપિયાની અમૂલ શક્તિ દૂધ થેલીઓની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના કેન્દ્રના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વાસણા-ભાયલી રોડ પર જે તસ્કરે દૂધના કેરેટની ચોરી કરી હતી, તે ચોર જ દૂધના કેરેટની ચોરી કરતા દેખાયો હતો.
અલગ અલગ કેન્દ્રો પર ચોરી : બીજી તરફ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ અમિતનગરમાં રહેતા ગણપતભાઇ હીરાભાઈ રાઠવા (ઉ.56) સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 જૂનના રોજ બરોડા ડેરીમાંથી દૂધના 18 કેરેટ મંગાવ્યા હતા. બરોડા ડેરીની દૂધની ગાડી વહેલી સવારે 5 વાગ્યે અલકાપુરી સ્થિત કોંકણ બિલ્ડિંગ પાસે મારા કેન્દ્ર પર દૂધના કેરેટ મૂકીને ગઈ હતી અને હું સવારે 6 વાગ્યે દૂધ કેન્દ્ર પર પહોંચ્યો હતો. તે સમયે દૂધના 5 કેરેટ ખાલી હતા. મેં તપાસ કરતા દૂધની થેલીઓ મળી આવી નહોતી. મારા દૂધ કેન્દ્ર પરથી 3072 કિંમતની અમૂલ ગોલ્ડ દૂધનીી 96 થેલીઓ અને 696 રૂપિયાની કિંમતની અમૂલ શક્તિ દૂધની 24 થેલીની ચોરી થઈ હતી. આમ કૂલ 3798 રૂપિયાના દૂધની ચોરી થઈ હતી. ફરીથી આજ કેન્દ્ર પરથી દૂધની થેલીઓ ચોરાઈ હતી જેમાં કુલ 8392 રૂપિયાનું દૂધ ચોરાયું હતું. આમ દૂધ ચોરીમાં અલગ અલગ કેન્દ્ર પરથી કુલ 16,888 રૂપિયાની કિંમતનું દૂધ ચોરાયું છે...
હાલમાં આરોપીની અટકાયત કરી છે. રૂપિયાની જરૂરિયાત હોઈ છૂટક વેચી મારતો હતો...એમ. કે. ગુર્જર(ગોત્રી પીઆઈ)
આરોપીની અટકાયત : આ મામલે દૂધ વિતરણ કરતા વેપારીઓએ 2 ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં અને એક ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં ગોત્રી પોલીસે ચોરી કરનાર મહોમ્મદ કેફ દરબારની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
- લ્યો બોલો...અડધી રાત્રે દૂધની ચોરી કરી ગઠિયો રફુચક્કર, CCTV કેદ થઈ ઘટના
- Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
- Vadodara Crime: આધારકાર્ડની અદલાબદલી, નકલી થકી અસલીની ચોરીનો પર્દાફાશ