વડોદરા: વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અચાનક દરોડા પાડતા બુટલેગર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. દારૂના કટિંગ સમયે જ દરોડો પાડી બે કાર, બે ટુવ્હિલર અને 372 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય વડોદરાની મુલાકાતે હતા તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ પણ હાજર રહી આ કામગીરી કરી હતી.
આ પણ વાંચો Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરાની શી ટીમે આપ્યો મેથીપાક
બાતમીના આધારે કામગીરી:સ્ટેટ મોનિટરિંગ સેલના એ એસ આઈ ધર્મરાજસિંહ પરાક્રમસિંહ ભાટીને બાતમી મળી હતી કે, વારસીયા ધોબી તળાવ પાસે હરિકૃપા ફ્લેટની સામે ખુલ્લી જગ્યામાં અજય આહુજા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા ત્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ટીમ પોહચતા જ કાર અને બાઇક પર સવાર ઈસમો ફરાર થઇ ગયા હતા. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર અને બાઇકમાંથી 1,78,290ની કિંમતની 372 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. સાથે જ 3.85 લાખ થી વધુ કિંમતના વાહન જપ્ત કર્યા છે.