વડોદરા : દિન પ્રતિદિન રાજયમાં અનેક શહેરોમાં રખડતા ઢોરના કારણે અનેક નાગરિકો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરના કારણે નાગરિકો ભોગ ન બને તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર પાર્ટીની ટીમો ત્રણ શિફ્ટમાં કામગીરી કરી રહી છે. આમ છતાં રખડતા ઢોર શહેરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગત રોજ ખોડિયારનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી. આ અંગે વડોદરા મહાનગરપાલિકામાં દબાણ શાખામાં સિક્યુરીટી ઇન્સપેક્ટરે બપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પશુપાલકો કામગીરીમાં બાધારૂપ બન્યા : વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં પાલિકામાં વર્ષોથી દબાણ શાખા અને સિક્યુરીટી શાખામાં દબાણ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા યશવંત શિંદેએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસસૂત્રોના જણાવ્યાં અનુસાર ફરિયાદમાં જણાવાયું છે કે ફરજ દરમ્યાન યશવંત શિંદેની ટીમમાં ફોરવિલર ગાડીના ચાલક, પોલીસ કર્મચારી, એક એક્સ સર્વિસમેન સાથે 3 મજૂર સાથે હતા અને બીજી ટીમમાં પણ તેટલાજ માણસો હતા. સવારમાં ખોડીયારનગરથી સુપરબેકરી થઇ પસાર થઈ રહ્યા હતા. દરિમયાન તેઓની પાછળ પાછળ ત્રણ ચાર બાઇક ઉપર પશુપાલકો ગાડીની પાછળ આવી ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ બન્યાં હતાં.
આ પણ વાંચો Stray Cattle Terror નવસારીમાં રખડતા ઢોર પકડ્યા પછી પશુપાલકો પાસે લેવાઈ રહી છે બાંહેધરી
રાઉન્ડ ધી ક્લોકની કામગીરી : ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન પશુપાલકો દ્વારા થઇ રહેલ અડચણરૂપ કામગીરી અંગે વિડિઓ વાયરલ થયો હતો. વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીઓની કામગીરીમાં રુકાવટ અને હુમલાને લઈ અનેક વાર રજૂઆત અને ફરિયાદો પણ કરવામાં આવી રહી છે. રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ કામગીરી દરમ્યાન કેટલાક પશુપાલકો બાધારૂપ બનતા હોય છે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ત્રણ શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો આણંદમાં રખડતા ઢોર પકડતી નગરપાલિકાની ટીમ પર થયો હુમલો, જૂઓ વીડિયો
અત્યારસુધીમાં 14 પશુપાલકો સામે ફરિયાદ : વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી 2023 થી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીમાં કુલ 1700 જેટલા પશુઓને ઢોર ડબ્બે પુરવામાં આવ્યા છે. જેમાંથી 693 પશુઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પકડાયેલ પશુઓમાં 26 પશુઓને પશુ માલિકોએ છોડાવ્યા છે. જેના ભાગ રૂપે 1,58,400 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. રખડતા ઢોરની સમસ્યા સામે કામગીરી કરનાર કર્મચાતીઓને પશુપાલકો દ્વારા કરવામાં આવેલા હુમલા અને અડચણરૂપ કામગીરીને લઈ 14 પશુપાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પશુપાલક સામે પાસા ઉગામાશે : રખડતા ઢોર મામલે વડોદરા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોર્પોરેશનની કામગીરીમાં અડચણરૂપ બનનાર પશુપાલક સામે ફરિયાદ નોંધાવામાં આવી રહી છે. જે પશુપાલકો બીજી વાર કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સંઘર્ષમાં આવ્યા છે તે તમામ પશુપાલક સામે પાસા હેઠળની કામગીરી કરવામાં આવશે.