વડોદરા : જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર અતુલ ગોરે NFSA યોજનાનો વ્યાપ વધારવા માટે જનપ્રતિનિધિઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે પણ ભાર મૂક્યો હતો.
55 હજાર પરિવારોને શોધીને લાભો : વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના રાશન કાર્ડ આપવા માટે ઝૂંબેશના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લામાં 55 હજાર પરિવારોને શોધીને લાભો આપવામાં આવ્યા છે. ધારાસભ્યોએ પણ જો તેમના વિસ્તારમાં જરૂરતમંદ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની વિગતો મળે તો તેની યાદી આપવા અપીલ કરવામાં આવી હતી. ધારાસભ્યઓએ જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.
જરૂરતમંદ લાભથી વંચિત ના રહે : પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્તમાન તબક્કામાં લાભાર્થીઓની યાદી મંજુર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તે બાબતે કલેકટર ગોરે એવું સૂચન કર્યું કે, ખરા અર્થમાં જરૂરતમંદ હોય એવા લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત ના રહી જાય તેની તકેદારી રાખવી જોઇએ. યોજનાનો લાભ આપતા પહેલા તેની પાત્રતા ચકાસણી કરવા માટે કલેકટરે સૂચના આપી આ માટે કાર્યપ્રણાલી વિકસાવવા કહ્યું હતું.