વડોદરા: શહેરના ચાર દરવાજા વિસ્તારમાં લગાડાયેલા CCTV કેમેરાઓને બદલવા અંગે સિટી પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે DCP અચલ ત્યાગીએ જણાવ્યું કે, શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિત ખૂબ જ શાંતિપૂર્ણ છે. તમામ સમુદાયના લોકો સમજદારી અને કોમી ભાઈચારો જાળવી રહ્યાં છે. આવા સંજોગામાં કેટલાંક અસામાજિક તત્વો શહેરની શાંતિનો માહોલ બગડે તે માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છે. જેના પર વડોદરા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે.
વડોદરામાં CCTVને લઇ ખોટી અફવા ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ - cctv news in Vadodara
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં લગાડાયેલા CCTV કેમેરાઓને બદલવા અંગે સિટી પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ખોટી અફવા ફેલાવીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવા સંજોગોમાં શહેરની શાંતિ અકબંધ રહે તે માટે DCP ક્રાઈમ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે, આવા ખોટા મેસેજને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

જ્યારે શહેરમાં પોલીસ, કોર્પોરેશન અને જી.ટી.પી.એલ. કંપની દ્વારા CCTV કેમેરા લગાવવામાં આવ્યાં છે. જે પૈકી જી.ટી.પી.એલ. કંપનીના કેમેરા જે લાંબા સમયથી બંધ હાલતમાં છે. તેને મેન્ટેનન્સ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત માત્ર ચાર દરવાજા વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે 400 જેટલાં અદ્યતન અને નવા કેમેરા નાખવાની કામગીરી આગામી ચારેક દિવસમાં શરૂ થનાર છે, ત્યારે શહેરમાં અશાંતિ ફેલાવવાનો મનસુબો ધરાવતાં અસામાજિક તત્વો સક્રિય થયાં છે. જેના પર જનતાએ વિશ્વાસ કરવો નહીં. કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં, તેમજ આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવી કે, જેના કારણે ભય અને તણાવની પરિસ્થિતિનું નિર્માણ થાય.
અફવા ફેલાવતી પોસ્ટ વાયરલ કરનાર વિરુદ્ધ શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા સિટી પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશે. વધુમાં આડોશ-પાડોશમાં કોઈ અજાણ્યા કે નવા રહેવા આવેલા વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરવા પણ જણાવાયું છે.