વડોદરા : ભાડેથી વાહન મેળવ્યા બાદ વાહનોને બારોબાર વેચી નાખવાના કૌભાંડનો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 120 જેટલી ભાડાની કારોને બારોબાર વેચી અને ઠગાઈ આચરનાર બે મહાઠગોને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન 120 પૈકી 90 ફોરવીલ ગાડીઓ રીકવર કરવામાં આવી છે. જેની કિંમત 6 કરોડથી વધુ છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘના હસ્તે મૂળ માલિકોને પરત કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો:ગત 31 ડિસેમ્બર 2022 ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છેતરપીંડી ગુનામાં બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ભાડેથી વાહનો મેળવી વાહનોને બારેબાર વેચી નાખનારના ગુનામાં સંડોવાયેલા વડોદરાના મનીષ હરસોયા અને સુરતના મુખ્ય સૂત્રધાર આરોપી દિપક રૈયાણી ધરપકડ કરી હતી. રબાદ રિમાન્ડ દરમિયાન 90 કારોની રિકવરી કરવામાં આવી હતી. તેની કિંમત 6 કરોડથી વધુ છે.
6 કરોડની કારો પરત રિકવર કરી :શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન મુખ્યત્વે ભાડેથી વાહનો મેળવ્યા બાદ માલિકોની જાણ બહાર સુરત, મહેસાણા તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા અને નંદુરબાર જેવા વિવિધ જગ્યા પર અલગ અલગ વ્યક્તિઓને ગીરવે આપી દીધી હતી. આ બંને આરોપીઓએ 120 જેટલી ફોરવીલ ગાડીઓને ભાડે લઈ બારોબાર ગીરવે મૂકી હતી. જેને અંદાજીત કિંમત 8 કરોડ જેટલી હતી. આ કારોમાંથી 90 ફોરવીલ ગાડીઓને રિકવર કરી 6 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.