જુનિયર ક્લાર્કને 8 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો વડોદરા : મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની કચેરી રાવપુરા રોડ પર આવેલી છે. આ કચેરીના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ક્લાર્ક લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાનું કામ કરવા માટે લાંચીયાઓ એક પણ મોકો છોડતા નથી એ પછી કોઇ પણ કામ કેમ ન હોય. ત્યારે વડોદરા રાજમહેલ રોડ પર આવેલી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે જુનિયર ક્લાર્ક 8 હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત ખાતાના અધિકારીએ રંગેહાથે ઝડપી લીધો હતો.
ACBએ છટકું ગોઠવી ઝડપી લીધો :પાલિકાની વોર્ડ નંબર 13ની ઓફિસમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપતા ચકચાર મચી જવા પામી છે. શહેરના રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે લાંચની રકમ સ્વીકારતા લાંચ રૂશ્વત બ્યુરોના અધિકારીઓ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ લાંચ રેસ્ટોરન્ટનો વેરો ઓછો કરવા માટે 9 હજારની માંગી હતી. જેમાં એસીબીના છટકામાં આરોપી રૂ 9 હજાર સ્વીકારી ફરિયાદીને રૂ.1 હજાર પરત કર્યા હતા. એસીબીએ 8000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો :Gujarat Govt Officer Bribery case : રાજ્ય વેરા અધિકારી વતી 2.37 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો
વેરો ઓછો કરી આપવા બાબતે લાંચ :એસીબીએ આપેલી માહિતી મુજબ આ કામના ફરિયાદી શહેરની દાંડિયાબજાર ખાતે આવેલ ગુરૂદેવ રેસ્ટોરન્ટનો વડોદરા કોર્પોરેશનમાં માલીક હોવા છતાં ભાડુઆત તરીકે વધારે વેરો આવતો હતો. જે વેરો માલીક તરીકેનો વેરો ઓછો કરી આપવાના કામે આ કામના આરોપી જૂનીયર ક્લાર્ક ભરત દિનેશચંન્દ્ર શાહેએ ફરિયાદી પાસે 9 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા. તેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે લાંચ રૂશ્વત બ્યુરોએ છટકાનું આયોજન કર્યુ હતુ. આ છટકા દરમિયાન આરોપી ભરત દિનેશચંદ્ર શાહે ફરિયાદી પાસેથી 9 હજાર સ્વિકાર્યા હતા. તે પૈકી 1 હજાર રૂપિયા ફરીયાદીને પરત આપ્યા હતા. આમ 8 હજાર સ્વીકારતા જ એસીબીએ આરોપીને સ્થળ પર જ રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો :Vadodara Crime: ખેડૂતને ધક્કા ખવડાવનારો તલાટી 11,000ની લાંચ લેતા ઝડપાયો
કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો :વોર્ડ નંબર 13ના જુનિયર ક્લાર્ક ભરત શાહ એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હોવાની માહિતી પ્રસરતા કોર્પોરેશનના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. લાંચ-રૂશ્વત વિરોધ દ્વારા ભરત શાહ સામે લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝડપાયેલ કર્મચારીના ઘરે પણ સર્ચ કરવામાં આવશે. આ સાથે જ તપાસમાં આવક કરતા વધુ સંપત્તિ મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. પરંતુ હાલમાં એસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે કોર્પોરેશનના કર્મચારી બેડાઓમાં ફાફડાટ ફેલાય છે.