વડોદરામાં M.COM થયેલા બ્રાહ્મણ યુવકે નોકરી છોડીને મત્સ્ય ઉદ્યોગ કર્યો શરુ વડોદરા :શહેરના 32 વર્ષીય ફિશ ફાર્મર નિખિલેશ વૈદ્ય જરોદ પાસે બે હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવમાં પંગાસિયસ માછલી ઉછેર કરી રહ્યા છે. તેઓએ વર્ષ 2022-23માં એક જ વખત રૂપિયા 31.50 લાખનું ઉત્પાદન લીધું હતું. તેમાંથી રૂપિયા 7.75 લાખની કમાણી કરી હતી. વર્ષ-2023ના અંત સુધીમાં 50 ટન માછલીનું ઉત્પાદન કરીને રૂપિયા 10થી 12 લાખની કમાણી કરવાનો લક્ષ્યાંક છે.
રોજગારી પૂરી પાડી રહ્યા છે : નિખીલેશ વૈદ્ય ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટના સતત માર્ગદર્શન અને મદદ સાથે, ફિશ સ્થાનિકોને કેચ વેચે છે અને ઉચ્ચ માંગને કારણે સુરત અને મુંબઈમાં નિકાસ પણ કરે છે. તેમણે માછલી પકડવા માટે સ્થાનિક મજૂરોને રોક્યા છે, તેઓને રોજગારી પૂરી પાડી રહ્યા છે. તેમણે આ વ્યવસાયમાં આવવા અને સતત વિકાસ કરવા માટે સબસિડી અને તમામ સમર્થન માટે સરકાર મદદરૂપ થાય છે.
લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવવાનો ડર મારા મનમાં સતત રહેતો હતો. તેથી મેં એવો કોઈ વ્યવસાય કરવાનું નક્કી કર્યું જે મને નાણાકીય સુરક્ષા આપે. મેં સૌપ્રથમ પોલ્ટ્રી વ્યવસાયમાં જવા વિશે વિચાર્યું અને નજીકના ઘણા ફાર્મની મુલાકાત લીધી. જોકે તે મારા માટે જોખમી વ્યવસાય લાગ્યો હતો. આથી યુટ્યુબ પર સર્ચ શરુ કર્યું હતું. જેમાં મને એક્વાકલ્ચરનો વિચાર આવ્યો અને મદદ માટે ફિશરીઝ વિભાગનો સંપર્ક કર્યો. મેં માછલી ઉછેર માટે ઉપયોગમાં લેવાતા ઘણા તળાવોની મુલાકાત લીધી હતી અને આણંદમાં એક તાલીમ સત્રમાં હાજરી આપી હતી. જેનાથી આ વ્યવસાયમાં મારી રુચિ વધારી હતી. એક બ્રાહ્મણ તરીકે અમે માછલીને ક્યારેય સ્પર્શતા નથી, પરંતુ તે મારો જુસ્સો છે અને હું તે સમર્પણ સાથે શરૂ કર્યો છે. મને કોઇ છોછ નથી. મારા પરિવારજનોનો પણ કોઇ વિરોધ નથી. - નિખીલેશ વૈદ્યે (વ્યવસાયકાર)
પરિવારનો પૂરો સહયોગ છે : ઉલ્લેખનીય છે કે, નિખીલેશે 2017માં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી M.Com કર્યું છે. તે બાદ તેઓ ખાનગી કંપનીમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી હતી. બાદમાં નિકાસ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં સરકારી વિભાગમાં નોકરી કરી. તેમના પિતા જયેશભાઇ વૈદ્ય વડોદરા કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પિતાનો નિખીલેશને પૂરો સહયોગ છે. સરકારી કર્મચારીઓના પરિવારમાંથી આવતા તેમને શરૂઆતથી જ ખેતીવાડીમાં રસ છે અને તક મળતાં તેઓ જળચરઉછેર તરફ વળ્યા છે.
વર્ષમાં બે વખત માછલી કાઢે છે :નિખીલેશ વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી સબસિડીની મદદથી વર્ષ 2021માં મેં જરોદ ખાતે ગોવિંદપુરા ગામ નજીક બે હેક્ટરનું તળાવ માછલી ઉછેર માટે ખરીદ્યું હતું. ઘણાં સંશોધનો પછી મને પંગાસિયસ માછલી એક નફાકારક પસંદગી મળી કારણ કે તે અન્ય જાતોની સરખામણીમાં છ મહિનામાં વધે છે. પ્રથમ વર્ષ તળાવ બનાવવામાં ગયું અને બીજા વર્ષે મને તળાવમાંથી આશરે 30 ટન મળે છે. આ વર્ષે હું તળાવમાંથી 50 ટન માછલી પકડવાનું લક્ષ્ય રાખું છું. હું સ્થાનિક સ્તરે માછલીનું વેચાણ કરું છું તેમજ સુરત અને મુંબઈમાં નિકાસ કરું છું. મને એક વર્ષમાં આ માછલીના બે પાક મળે છે કારણ કે તે છ મહિનામાં તૈયાર થઈ જાય છે. જેનો સમયગાળો ફેબ્રુઆરી-માર્ચ અને નવેમ્બર-ડિસેમ્બર છે.
પંગાસીયસમાં સારી કમાણી :તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક કિલો પંગાસિયસ માછલી તૈયાર કરવામાં રૂપિયા 70થી 75 નો ખર્ચ થાય છે. તેને પ્રિત કિલો રૂપિયા 100 થી 125માં વેચાણ કરું છે. વર્ષ-2021-22માં રૂપિયા 31,50,000ની માછલી વેચી હતી. જેમાંથી મને રૂપિયા 7.75 લાખની કમાણી થઇ હતી. 2023ના અંત સુધીમાં 50 ટન માછલી ઉત્પાદન કરવાનો અને તમાંથી રૂપિયા 10થી 12 લાખ કમાણી કરવાનો લક્ષ્યાંક છે. પ્રથમ વર્ષે મેં ઇન્ડિયન મેજર કલર (IMC) ઉછેરવા માટે પ્રયાસ કર્યો હતો. આ માછલીમાં ખર્ચ ઓછો થાય છે. પરંતુ, તેનું ઉત્પાદન મળવામાં સમય વધારે લાગે છે. આથી મેં પંગાસીયસ ઉછેર શરૂ કર્યુ. આ માછલીમાં ખર્ચ વધારે થાય છે. પરંતુ, ઓછા સમયમાં વધુ ઉત્પાદન મળે છે.
ફિશ ફાર્મીંગ ફેલાવવાની ઇચ્છા :નિખીલેશ વૈદ્યે માછલી પકડવા માટે સ્થાનિક મજૂરોને રોક્યા છે અને તેઓને રોજગારી પણ આપી રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગના માર્ગદર્શન સાથે માછલી માટે જરૂરી સંતુલન જાળવવા તે સમયાંતરે પાણીનું પરીક્ષણ કરે છે. દરરોજ તે કોલકાતાથી ખાસ મંગાવેલી માછલીઓને 400 કિલો ખોરાક ખવડાવે છે. ભવિષ્યમાં તે 50 એકર જમીનમાં આ ફિશ ફાર્મિંગ ફેલાવવા માંગે છે.
- Jakhau Fishing Port Gujarat: કચ્છના જખૌમાં મત્સ્ય ઉદ્યોગની હાલત કફોડી, મોંઘવારીના લીધે મોટાભાગની બોટો કિનારે
- Junagadh News : જૂઓ માછલીઓની ક્યાં થઈ રહી છે બદલી, શા માટે કરાયું આવું આયોજન?
- Porbandar News : અખિલ ગુજરાત માછીમાર સમાજ મત્સ્યોદ્યોગ કમિશનર સામે આકરા પાણીએ, આંદોલનની ચીમકી