વડોદરા:હરણી તળાવમાં ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોથી ભરેલી બોટ પલટી થયાની ઘટનામાં અત્યારસુધીમાં 15 બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.
હુકમમાં જણાવ્યા અનુસાર વડોદરા શહેરના હરણી તળાવમાં બોટીંગ કરવા માટે ગયેલ સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બોટ ઉંધી વળી જતાં બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયેલ છે. તે પૈકી કેટલ બાળકો અને શિક્ષકોનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. પુખ્ત વિચારણાને અંતે આ ગંભીર બનાવના સંબંધમાં સરકારશ્રીએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાની નિર્ણય કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને નીચેના મુદ્દાઓ પરત્વે વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરેલ છે.
- કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા પામેલ છે.
- આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ.
- ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ.
- જિલ્લા મેજિસ્ટ્રેટ-વડોદરાએ આ બાબતમાં વિગતવાર તપાસ કરીને તે અંગેનો અહેવાલ દિન-10(દસ)માં સરકારને સુપરત કરવાનો રહેશે.
- તપાસ સંબંધમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજયની સંસ્થા તેમજ અન્ય સંબંધીત એજન્સીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ-વડોદરાને પૂરતો સહયોગ આપવાનો રહેશે તેમજ જરૂરી વિગતો/દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.