વડોદરા : સાવલીના MLA કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ડિરેક્ટરો લાયકાત ન હોય તેવા લોકોની ભરતી કરી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે કેતન ઇનામદાર દ્વારા કલેક્ટર સાથે મુલાકાત કરીને તપાસની માગણી કરી હતી. ત્યારે હવે ભરતી કૌભાંડ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરશે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ બરોડા ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને અન્ય પાંચ મુદ્દાઓને બાબતે કેતન ઇનામદાર દ્વારા પત્રકાર પરિષદ યોજી પુરાવાઓ રજૂ કરી તપાસની માંગ કરી હતી.
કોઈ જ ભ્રષ્ટાચાર નથી :ગઈકાલે વરણામાં ખાતે ધારાસભ્યોની બેઠક અને પશુપાલકોને દૂધના ભાવને લઈ ચર્ચા અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં આજે બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ તમામ આક્ષેપોને હાલના કાર્યકારી પ્રમુખ જી.બી.સોલંકી દ્વારા પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા અને કોઈ જ ભ્રષ્ટાચાર નથી થયો તેવું જણાવ્યું હતું.
તમામ આરોપો પાયા વિહોણા :તાજેતરમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારએ કેટલાક મુદ્દા અંગે તપાસની માગણી કરી હતી. બરોડા ડેરી પર લાગેલા આરોપો મામલે હોદ્દેદારોની પત્રકાર પરિષદ દરમિયાન કેતન ઈનામદાર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. આ મામલે ડેરીના કાર્યકારી પ્રમુખ જી.બી. સોલંકીએ આ તમામ આક્ષેપોને લઈ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, તમામ મુદ્દે તપાસની જવાબદારી એજન્સીઓને સોંપાઈ છે.
આરોપ : કેતન ઈનામદાર પર દૂધનું સંપાદન ઘટયાનો આરોપ
જવાબ : આ મામલે જવાબ આપતા જી. બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ફક્ત બરોડા ડેરી નહિ સમગ્ર રાજ્યમાં દૂધનું સંપાદન ઘટયું છે. દરેક ડેરીમાં દૂધનો ભાવ અલગ અલગ હોય છે. 789થી 840 અન્ય ડેરી ભાવ આપે છે. બરોડા ડેરીમાં ભાવ નથી મળતાનો આરોપ ખોટો છે. દરેક જિલ્લાની આબોહવા, ઘાસચારો, પાણી સરખા નથી હોતા. જેથી સંપાદનમાં ફરક હોય શકે છે. બરોડા ડેરીનો પર લીટરનો ભાવ અન્ય ડેરીઓની તુલનામાં શ્રેષ્ઠ છે. બરોડા ડેરીમાં 46.35 પૈસા લીટરનો ભાવ મળે છે. જ્યારે અન્ય ડેરીઓમાં ભાવ ઓછો છે. ગુજરાતના અન્ય સંઘો કરતા વડોદરાનો ભાવ વધુ છે.
આરોપ: બરોડા ડેરી 64 રૂપિયામાં દૂધ વેચે છે અને 30થી 40 રૂપિયામાં દૂધ ખરીદે છે
જવાબ : આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 45 રૂપિયા 77 પૈસા ભાવ ડેરી દ્વારા ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે. દરેક દૂધનો ભાવ જુદો જુદો હોય છે. જેટલું દૂધ આવે છે એ તમામ વેચાતું નથી અન્ય પ્રોડક્ટ બનાવવામાં પણ ઉપયોગી થાય છે. તમામ સંઘોના ભાવ એક થાય તેવી સરકારને અપીલ કરીએ છીએ. તમામ ધારાસભ્યો આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરે તો કાયદો ઘડાઇ શકે છે.