વડોદરા: અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કોરોનાના વ્યાપને વધતો અટકાવવા માટે તંત્ર તમામ આવશ્યક પગલા ભરી રહ્યુ છે. ત્યારે શહેરીજનો પણ તંત્રની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરશે તો આપણે ચોક્કસ કોરોના સામેનું યુદ્ધ જીતી શકીશું. આ ઉપરાંત પંકજકુમારે શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આ સેન્ટર ખાતે ચાલતી આરોગ્યલક્ષી પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી. તેમની સાથે વડોદરા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવ, મ્યુનિશિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાય, પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોત, કલેક્ટર શાલિની અગ્રવાલ પણ જોડાયા હતા.
વડોદરાના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે શહેરમાં તંત્રની કામગીરીને લઇને કરી સમીક્ષા - વડોદરામાં કોરોના કેસ
સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વડોદરાની મુલાકાત લઈ તંત્ર દ્વારા કોરાના સામે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
તેમણે વડોદરા શહેરમાં કોરોનાને માત આપવા તંત્ર દ્વારા લેવાયેલા પગલાની સરાહના કરી વડોદરાના નાગરિકો જાતે કોરોના યોદ્ધા બને તેવી વ્યૂહરચના અપનાવવા બદલ તંત્રને અભિનંદન આપ્યા હતા. શહેરના ગાજરાવાડી ખાતે શાકભાજીના ફેરિયાઓના સેમ્પલ ટેસ્ટીંગ કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત રેડ ઝોનમાં કોરોનાગ્રસ્ત પરિવારોના ઘરોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછી હોસ્પિટલમાં મળેલી સારવાર અંગેની જાત માહિતી મેળવી હતી.
પંકજકુમારે હાઈસ્પીડ રેલ સેન્ટરના કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દી સાથે પોઝિટિવથી લઇ સારવાર સુધીની વિગતો વીડિયો કૉલિંગથી મેળવી હતી. આ તકે તેમને ૧૫ વર્ષના કિશોર સાથે વાત કરી ઝડપથી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી.