વડોદરા :ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળી ખાતે નર્મદામાં સ્નાન કરવા આવેલા પાંચ મિત્રો પૈકીના બે મિત્રો નર્મદા નદીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક બચાવ કામગીરી આરંભી દીધી હતી. સ્થાનિક તરવૈયાઓએ ગણતરીના સમયમાં બંને યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ચાંદોદ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
બે મિત્રોના કરુણ મોત : શ્રાવણ માસના અંતિમ દિવસે અધિક-શ્રાવણ અમાસની તિથિને અનુલક્ષી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ-કરનાળીના નર્મદા કિનારે પુણ્ય સ્નાન અને વિધિવિધાન અર્થે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શ્રાવણ વદ અમાસના મહાત્મ્યને અનુલક્ષી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના પાંચ મિત્રો પણ નર્મદા સ્નાન અર્થે કરનાળી ખાતે સોમનાથ ઘાટ નજીકના કિનારે આવી પહોંચ્યા હતા. મોડી સાંજે તમામ મિત્રો નદી કિનારે સ્નાન માટે પહોંચ્યા હતા. પરંતુ સ્નાન કરતા સમયે નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા મિત્રો પૈકીના બે મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.