વડોદરાઃ વાઘોડિયા તાલુકાના ગોરજ ગામમાં રહેનારા જવારાબેન પરમાર(70) દેવ નદીમાં કપડા ધોઇ રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક મગર તરાપ મારીને મહિલાને પાણીમાં ખેંચી ગયો હતો. જો કે, મહિલાએ હિંમત હારી નહીં અને મગરના મોઢામાં હોવા છતાં પોતાનો જીવ બચાવવાના પ્રયાસો કર્યો હતા અને બુમાબુમ કરી હતી.
વડોદરાઃ દેવ નદીમાં કપડાં ધોનારી વૃદ્ધ મહિલા પર મગરે હુમલો કર્યો
વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોઇ રહેલી વૃદ્ધ મહિલાને મગર ખેંચી ગયો હતો. જેથી મહિલાએ બુમાબુમ કરતાં ગામના યુવાનો દોડી આવ્યા હતા અને મહિલાને મગરના મોઢામાંથી છોડાવી હતી. આ રેસ્ક્યૂ ઑપરેશનમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાનો જીવ બચાવ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
ગોરજ ગામ
મહિલાની બુમાબુમ સાંભળીને ગામના કાળુભાઇ, વિનોદભાઇ અને ગણપતભાઇ નામના યુવાનો પોતાના જીવની ચિંતા કર્યાં વિના નદીમાં કૂદી પડ્યા હતા અને મહિલાને મગરના મોઢામાંથી બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગોરજ ગામમાં ગત ઘણા સમયથી પાણીની સમસ્યા છે. જેથી મજબુરીમાં મહિલાઓને કપડાં ધોવા માટે દેવ નદીમાં જવું પડે છે. ભૂતકાળમાં પણ નદી કિનારે કપડાં ધોવા ગયેલી ઘણી મહિલાઓ મગરની શિકાર બની હતી.