અગરબત્તીની સુગંધથી મહેકી ઉઠશે અયોધ્યાનું રામ મંદિર પરિસર વડોદરા:વડોદરા શહેરને સંસ્કારી અને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. કલા નગરીના કલાકારો દ્વારા ભક્તિ પ્રત્યે પણ અતૂટ વિશ્વાસ હોય છે. ઉત્તરપ્રદેશમાં આવેલ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામ મંદિરનું પરિસર સુગંધથી મહેકી ઉઠે તે માટે શહેરના રામભક્તે પંચદ્રવ્યનો ઉપયોગ કરી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તી બનાવી છે. જે ડિસેમ્બરના અંત સુધીમાં અયોધ્યામાં મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનને આમંત્રણ આપવા માટે પત્ર પણ લખ્યો છે.
2 મહિનાથી અથાગ પરિશ્રમ:રામભક્ત શહેરના તરસાલી વિસ્તારમાં રહે છે અને મૂળ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. વિહાભાઈ ભરવાડે આ ધૂપસળી 2 મહિનાની મહેનત બાદ તૈયાર કરી છે. હાલમાં તેના પર પ્લાસ્ટિક ચડાવવામાં આવ્યું છે. આ ધૂપસળી ખુબજ સુગધ ફેલાવે તેવા પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું વજન 3403 કિલો છે. જે આવનાર ડિસેમ્બર માસના અંત સુધીમાં વાજતે-ગાજતે શોભયાત્રા થકી રામમંદિર અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.
ભવ્ય શોભયાત્રા થકી અયોધ્યા મોકલાશે:આ અંગે વિહાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અયોધ્યા રામજન્મ ભૂમિ ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2024માં થવા જઈ રહી છે. જેના સંદર્ભમાં 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તી તૈયાર કરી છે. આ બનાવવા માટે પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ગીર ગાયનું ઘી 191 કિલો, ગુગળ ધુ પ 376 કિલો, જવ 280 કિલો, તલ 280 કિલો, કોપરાનું છીણ 376 કિલો, હવન સામગ્રી 425 કિલો અને ગાયના છાણનો ભુક્કો 1475 કિલો ઉમેરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં રામભક્તો અને યજમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા થકી અયોધ્યામાં લઈ જઈ રામમંદિર પરિસરમાં પ્રજ્વલિત કરવામાં આવશે.
યથાયોગ્ય યોગદાન મળ્યું:આ ધૂપસળી બનાવવા માટે યથાયોગ્ય રીતે રામભક્તો દ્વારા યોગદાન પૂરું પાડવામાં આવ્યું છે. આ સાથે અયોધ્યા ખાતે મોકલવા માટે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવશે અને તે ઐતિહાસિક નવલખી ખાતે યોજવામાં આવશે. આ સાથે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવશે. આ ભવ્ય અગરબત્તી પાછળ અંદાજીત 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને અયોધ્યા લઈ જવા માટે 4.50 લાખ જેટલો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થશે તે અલગ રહેશે.
- Ram Mandir Replica Trend : અમદાવાદમાં અયોધ્યા રામ મંદિર પ્રતિકૃતિ ગિફ્ટ આર્ટિકલ તરીકે હોટ ફેવરિટ બની
- Modi gift to Biden: PM મોદીની જો બાઈડેનને ભેટ, ચંદનના બોક્સ પર જોવા મળી રાજસ્થાની છાપ