વડોદરા: વડોદરામાં કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે શહેરના રાવપુરા પોલીસ મથકમાં પણ કોરોનાનો કહેર વર્તાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે એક ASI અને મહિલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.
આ અંગે રાવપુરા પોલીસ મથકના PI વી.એમ.મૈઢાએ જણાવ્યું હતું કે, અગાઉ રાવપુરા પોલીસ મથકના 7 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને કારણે રાવપુરા પોલીસ મથકના અન્ય પોલીસ કર્મચારીઓ સંક્રમિત ન થાય તે માટે રાવપુરા પોલીસ મથકમાં સ્પેશિયલ રેપીડ ટેસ્ટનું ચેકીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ મથકના ASI અને મહિલા પોલીસકર્મી કોરોના સંક્રમિત જણાયા હતા. હાલમાં અન્ય કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ ચેકીંગ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ ઉલ્લેખનિય છે કે, વડોદરાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની સાથે રાવપુરા પોલીસ મથકમાં પણ કોરોનાનો વ્યાપ જોવા મળ્યો છે. તાજેતરમાં જ રાવપુરા પોલીસ મથકના 7 પોલીસ કર્મચારીઓ કોરોનાંથી સંક્રમિત થયા હતા. જેમાં 2 મહિલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. રાવપુરા પોલીસ મથકમાં રેપીડ ટેસ્ટ દરમિયાન કુલ 57 માંથી 2 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જણાયા છે અને કુલ કોરોનાં સંક્રમિત આંક 9 થયો છે. જેને લઈને પોલીસ બેડામાં વધતાં જતા કોરોનાં કેસથી પોલીસ વિભાગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
- કોરોના મહામારીમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને કોરોના સંક્રમણનો ભય સૌથી વધુ
- અત્યાર સુધીમાં ટ્રાફિક, પાણીગેટ, વાડી બાપોદ, વારસિયા, રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનમાં કુલ 641 પોલીસ કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો
- 15 પોલીસ જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરેન્ટાઈન કરાયા
વડોદરા શહેરમાં શુક્રવારે કોરોનાના 125 કેસ નોંધાયા હતા.જેમાં રાવપુરા પોલીસ મથકના ASI અને મહિલા પોલીસકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાં દર્દીઓમાંથી 186 દર્દીઓને રજા આપવામાં આવી હતી. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના 8554 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાંથી 6938 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હાલમાં 1468 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 197 દર્દીઓની હાલત ગંભીર છે.