વડોદરા : શહેરીજનો એક તરફ કોરોનાની મહામારી સામે લડાઇ લડી રહ્યા છે, ત્યારે શુક્રવારે રાત્રે પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવ તરફ જતી ગલીમાં સ્થાનિક લોકોએ કોરોનાના ડરના કારણે ગુરુવારે પતરાં લગાવ્યા બાદ શુક્રવારે રાત્રે કેટલાક અસામાજીક તત્વોએ પથ્થરો ફેંકતા લોકોમાં ઉત્તેજના છવાઇ હતી.
આ સમગ્ર ઘટનામાં સ્થળ પર હાજર પોલીસ પર પણ બે ચાર પથ્થર ફેંકતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થિતીને કાબૂમાં લઇને મોડી રાત્રે જ 6 યુવકોની પુછપરછ શરૂ કરી હતી.
શહેરમાં અસામાજિક તત્વોએ વાતાવરણને ડહોળવાનો કર્યો પ્રયાસ ઉલ્લેખનિય છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન પાસેની રાજારાણી તળાવ તરફ જતી ગલીમાં સ્થાનિક યુવકોએ કોરોનાના ડરના કારણે ગુરુવારે જાતે જ ગલીમાં કોઇ અવર જવર ન કરે તે માટે બે સ્થળે પતરાં લગાવી આડશ મૂકી હતી. તે દરમિયાન, આ આડાશના કારણે કેટલાક અસામાજીક તત્વોએ શુક્રવારે રાત્રે નવ કલાકે આઠથી દસ પથ્થર ફેંકતા લોકોમા ઉત્તેજના છવાઇ હતી. એક તબક્કે અફવાનો દોર પણ ચાલુ થઇ ગયો હતો. આ સમગ્ર બનાવને પગલે પથ્થર મારો થયો હોવાની વાત પણ વહેતી થઇ હતી.
આ ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચતા પોલીસ પર પણ પત્થર મારો કરાયો હતો. જેથી પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંન્ચની ટીમ સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે તે પહેલાં સ્થિતીને અંકુશમાં લઇ લેવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે પુછપરછ કરવા માટે 6 શખ્સોને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.