વડોદરા: આગામી શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે જાહેર મહોત્સવ યોજી શકાશે નહીં. જેથી મોટેભાગે લોકો પોતાના ઘરમાં જ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરશે. વિઘ્નહર્તાના આગમન પૂર્વે મૂર્તિકારો ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે કોરોનાની થીમ આધારિત પ્રતિમાઓ મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
વડોદરા: કોરોના વાઈરસનો સંહાર કરતા શ્રીજીની માટીની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
વૈશ્વિક મહામારી કોરોનાના ગ્રહણ વચ્ચે આગામી શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે વડોદરાના એક મૂર્તિકારે કોરોના વાઇરસનો સંહાર કરતા શ્રીજીની બનાવેલી માટીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
વડોદરા શહેરના વાડી મહાદેવ તળાવ પાસે મૂર્તિકાર રવિ કાશીનાથ ફાળકે અને તેમના ભાઈ સુનિલ દ્વારા કોરોનાનો સંહાર કરતા વિઘ્નહર્તા શ્રીજીની માટીની પ્રતિમા બનાવી છે. મૂર્તિકાર રવિભાઈએ જણાવ્યું હતું કે, કોરોનારૂપી રાક્ષસ કે જેણે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોનાથી મુક્ત થાય તેના એક પ્રયાસરૂપે આ વર્ષે કોરોના વાઇરસનો સંહાર કરતા વિઘ્નહર્તા શ્રીજીની પ્રતિમા બનાવી છે. તેમજ સ્થાપનાને બે દિવસ બાકી હોવાથી આ પ્રતિમાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.