કરજણઃ શુક્રવારથી ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થશે. ત્યારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. મુરલી કૃષ્ણને્ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષાએ પૂર્વ તૈયારીઓ અને સુસજ્જતાની ઓનલાઈન જાણકારી મેળવી હતી. તટસ્થ, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે, ભારતના ચુંટણી પંચે નિર્ધારિત કરેલા 17 મુદ્દા પ્રમાણે વિધાનસભાની કરજણ બેઠકની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓની વિગતવાર ઓનલાઈન સમીક્ષા કરી હતી.
ચૂંટણી અધિકારીએ વીડિયો કોન્ફરન્સથી કરજણ બેઠકની જાણકારી મેળવી - ચૂંટણી અધિકારી
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઓનલાઈન જાણકારી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને બેઠકના ચૂંટણી અધિકારી સાથે ત્રિપક્ષીય વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કરજણ બેઠકની પેટા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓની ઓનલાઈન સમીક્ષા કરી અને કરજણ બેઠકના ચૂંટણી અધિકારી પાસેથી 17 મુદ્દા હેઠળ વિગતવાર જાણકારી મેળવી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
તેમણે ત્રિપક્ષીય વીડિયો કોન્ફરન્સ ચૂંટણી અધિકારી કે. આર. પટેલને વિધાનસભા વિસ્તારમાં આચાર સંહિતાના કડક અમલ સહિત વિવિધ બાબતોની માર્ગદર્શક સૂચનાઓ આપવાની સાથે શુક્રવારે ઉમેદવારી નોંધવાથી શરૂ થતાં પ્રથમ તબક્કા અને તે પછીના તબક્કાઓ માટે સુસજ્જતાની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ખાસ કરીને ચૂંટણીની નોટિસની શુક્રવારે પ્રસિદ્ધિ અને દૈનિક રિપોર્ટિંગ, ચૂંટણી અને મતદાન માટે તેમ જ ઈવીએમ અને વીવીપેટ માટે જરૂરી સાધનો, ભાગો અને લેખન સામગ્રીની વ્યવસ્થા, માનવ સંપદા અને પરિવહન માટે વાહન વ્યવસ્થા, ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર અને મત ગણતરીની વ્યવસ્થા, નિરીક્ષકો માટે રોકાણ અને મુલાકાતની વ્યવસ્થા, હિસાબ નોંધણી ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો રિવ્યુઈંગ ટિમ વગેરેની વ્યવસ્થા, મતદારો માટે ટપાલ મતદાનની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ દરેક બાબતમાં પંચની સૂચનાઓના ચુસ્ત અને ક્ષતિરહિત અમલનો ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એમ. જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.