વડોદરાઃ છેલ્લા દિવસોથી મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સિવિલ સયાજી હૉસ્પિટલ પર ગંભીર આરોપો થઈ રહ્યા છે. જેમાં વધુ એક કેસ ઉમેરાયો છે. હૉસ્પિટલમાં શ્વાસની બીમારીથી પીડાતા દર્દીને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
વડોદરાની SSG હૉસ્પિટલમાં દર્દીને સારવાર ન મળતા થયું મોત, પરિવારે કર્યો આક્ષેપ મળતી માહિતી પ્રમાણે, સયાજી હૉસ્પિટલ અને ગોત્રી હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ રાણા છેલ્લા ત્રણ-ચાર દિવસથી શ્વાસની બિમારીથી પીડાતા હતાં. જેથી તેમને શહેરની સયાજી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યા ફરજ પરના તબીબોએ તેમને હૉસ્પિટલમાં જગ્યા ન હોવાનું જણાવી તેમને ગોત્રી હૉસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમને એબ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં પણ તેમને પ્રવેશવા દીધા નહોતા, એટલે તેઓ સયાજી હૉસ્પિટલમાં પરત ફરી રહ્યાં હતા.
વડોદરાની SSG હૉસ્પિટલમાં દર્દીને સારવાર ન મળતા થયું મોત, પરિવારે કર્યો આક્ષેપ તે દરમિયાન એબ્યુલન્સમાં ઓક્સિજનની કમીના કારણે રસ્તામાં તેમનું નિધન થયું હતું. દર્દીના મોતના પગલે પરિવારે સયાજી હૉસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં તેઓ હૉસ્પિટલની બેદરકારીના દર્દીનું મોત થયું હોવાનું જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના સંક્રમણના કારણે મોટાભાગની હૉસ્પિટલને કોવિડ વોર્ડમાં ફેરવવામાં આવી છે. જેના પગલે અન્ય બીમારીથી પીડાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં આ પહેલો કેસ નથી, આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં અન્ય બીમારીના દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તેઓ મોતને ભેટી રહ્યાં છે. જેથી આરોગ્ય તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.