- નારી તું નારાયણીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં
- સયાજી હોસ્પિટલમાં સગર્ભા નર્સે 7 મહિના સુધી કર્યું કામ
- હોસ્પિટલના સ્ટાફે સગર્ભા નર્સની કામગીરીને બિરદાવી
- નર્સ રજા લઈ શકતી હતી છતાં તેણે દર્દીની સેવાને મહત્ત્વ આપ્યુંઃ નોડલ ઓફિસર
વડોદરાઃ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી તમામ હોસ્પિટલોમાં ડોક્ટર્સ અને નર્સ જીવના જોખમે દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં. સયાજી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી કામ કરતા નર્સ કાનન સોલંકી 7 મહિનાથી સગર્ભા હોવા છતાં તેઓ ફરજ નિભાવી રહ્યા છે. તેમની આ કામગીરીને હોસ્પિટલના સ્ટાફે ખૂબ જ બિરદાવી છે.
આ અંગે માહિતી આપતાં સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહિવટી નોડલ અધિકારી ડો. બેલીમ ઓ. બીએ જણાવ્યું કે, કાનને ધાર્યું હોય તો તે માર્ચ મહિનાથી રજા લઈ શકી હોત, પરંતુ કાનને પોતાની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવાને મહત્ત્વ આપ્યું અને કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાનું સ્વીકાર્યું. ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયાં હતાં. કાનનની સ્થિતિની ગંભીરતા જોતા અધૂરા માસે પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો છે. બાળકીનો જન્મ થતા બાળકીનું વજન 1 કિલો જ હતું. બાળકીને જીવતી રાખવા માટે 15 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે માતા માટે સ્તનપાન કરાવવું શક્ય ન હતું એટલે બ્રેસ્ટ મિલ્ક પંપની મદદથી બાળકીને દૂધ પીવડાવવામાં આવ્યું હતું.