- પાદરામાં કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ધારાસભ્યના નામની બાદબાકી
- સરકારી કાર્યક્રમમાં આમંત્રણ નહીં પાઠવતા વિવાદ સર્જાયો
- ધારાસભ્યએ ઉર્જા, પેટ્રોકેમિકલ અને કૃષિ વિભાગને પત્ર લખ્યો
વડોદરાઃ સરકારી કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્યની બાદબાકી કરવામાં આવતા પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારએ નારાજગી વ્યક્ત કરી હતી.આ અંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અને કૃષિ વિભાગને પત્ર લખી નારાજગી દર્શાવી છે.
કાર્યક્રમમાં ધારાસભ્યની બાદબાકી થતા અનેક તર્કવિતર્ક સર્જાયા
પાદરા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું 11 જાન્યુઆરીના રોજ થનારા ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમને લઇ વિવાદ સર્જાયો છે. પાદરા તાલુકાના ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થવાનો છે. ત્યારે પાદરાના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારના નામની આમંત્રણ પત્રિકામાં બાદબાકી કરાતા તેમજ આમંત્રણ નહીં અપાતાં વિવાદ સર્જાયો છે.
પાદરામાં કાર્યક્રમમાં ધારાસભ્યને આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી ધારાસભ્યએ કર્યા આક્ષેપ
પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર સાથે અનેકવાર અવગણના કરતા ભારે વિવાદ સર્જાયો છે અને પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અને કૃષિ વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે અને આ કિસાન સૂર્યોદય યોજનાનો ખર્ચ શું કમલમમાંથી આપવાનો છે કે રાજય સરકારમાંથી તેવા આક્ષેપો સાથે નારાજગી વ્યકત કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે રાજ્ય સરકાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સહિત મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે અને આ અંગે ખુલાસો પણ માંગ્યો છે. આ અંગે ધારાસભ્ય જસપાલસિંહ પઢીયારે જણાવ્યું હતું કે આ અપમાન મારું નહીં મારી પ્રજાનું અપમાન. વારંવાર અવગણના કરવામાં આવે છે. જો કમલમની તિજોરીમાંથી પૈસા વાપરવાના હોય તો આમંત્રણને લઈ અમારે કોઈ વાંધો નથી. આ આમંત્રણ પત્રિકા ખર્ચ સહિત કાર્યક્રમનો ખર્ચ કયા હેડેથી આપવાનો છે કોણ ઉપાડવાનું છે તે બાબતે ખુલાસો માંગ્યો છે.