વડોદરા:રાજયના પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ યાત્રીઓ યાત્રાધામનો સુખદ અનુભવ માણી શકે તે હેતુથી અખાત્રીજના પાવન દિવસે રાજયવ્યાપી યાત્રાધામ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના યાત્રાધામ કુબેર ભંડારી ખાતે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલના હસ્તે યાત્રાધામ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Rajkot News : બાલાજી મંદિરે મુખ્યપ્રધાને સફાઈ કર્યા બાદ સ્થાનિકોએ કહી મોટી વાત
સૂચના જાહેર કરીઃયાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારી, ત્રિવેણી સંગમ તથા નર્મદાના તટે આવેલા યાત્રાધામોની મુલાકાત લઈ માનવીય પ્રવૃત્તિઓના કારણે થતા કચરા અને ગંદકી કેવી રીતે રોકી શકાય તે અંગે સ્થાનિક વહીવટી અઘિકારીઓને જિલ્લા કલેકટર અતુલ ગોરે જરૂરી સૂચનો કર્યા હતા. પવિત્ર સ્થાનો પર સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. કુબેર ભંડારી તથા ત્રિવેણી સંગમ પર સફાઈ અભિયાનમાં નગરપાલિકાના 7 સફાઈ કર્મચારીઓ નદીના પાણીમાંથી કચરો કાઢવા માટે જોડાયા હતા.
મનરેગાના કર્મી જોડાયાઃજ્યારે મનરેગાના 25 સફાઈ કર્મચારીઓ કિનારા પર રહેલા કચરાને દૂર કરવામાં જોડાયા હતા. જરૂર પડે સફાઈ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી આ કાર્યને એક ઝુંબેશની રીતે હાથ ધરવામાં આવે તેમ કલેકટર દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું. આ અભિયાનમાં વિધાનસભાના દંડક પણ જોડાયા હતા. નર્મદા તથા કુબેરેશ્વર મહાદેવના દર્શન કરી કુબેરેશ્વર મંદિરના પ્રાંગણમાં તથા જાહેરમાર્ગ ઉપર મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ સહિત તમામ મહાનુભાવો સફાઈ કામદાર સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
દરેક વ્યક્તિ યોગદાન આપે:મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે, આપણા યાત્રાધામોની સ્વરછતા જાળવવીએ દરેક વ્યક્તિની ફરજ છે. જે રીતે વડાપ્રધાનના આહવાનથી સ્વચ્છ ભારત અભિયાન પાર પાડ્યું તેવી જ રીતે યાત્રાધામ સ્વચ્છતા અભિયાનમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે તે ખૂબ જ જરૂરી છે. સફાઈ અભિયાન જનભાગીદારી છે. ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે આ અભિયાનને જનભાગીદારીનું ગણાવી તમામ વ્યક્તિઓ આ અભિયાનમાં જોડાય અને દરેક યાત્રાધામોને સ્વચ્છ અને સુદૃઢ બનાવવામાં પોતાનું યોગદાન આપે તે ખુબજ જરૂરી છે.
આ પણ વાંચોઃ Ambaji Temple : અંબાજી ખાતેથી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ
સાકાર થશે અભિયાનઃઆજે જ નહિ પરંતુ આ અભિયાનને ઝુંબેશની રીતે આગળ ધપાવી દર મહિનાના ત્રીજા રવિવારે યાત્રાધામોની સફાઈ કરવામાં આવશે અને વડાપ્રધાનના સ્વરછ ભારત અભિયાન તથા રાજ્ય સરકારના યાત્રાધામ સફાઈ અભિયાનને સાચા અર્થમાં સાકાર કરવામાં આવશે. યાત્રાધામ કુબેર ભંડારીમાં યોજાયેલા જિલ્લા કક્ષાના આ અભિયાનમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા, છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભ પટેલ, જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોષી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન વકીલ, ધાર્મિક તથા સ્થાનિક ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીગણ, કર્મચારીઓ, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.