વડોદરા:તહેવારોના દિવસો દરમ્યાન ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ડભોઇ નગરની અંદર બજારોમાં ફરી ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં નગરમાં ધાણી, ખજૂર અને પતાસાનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ હાથ ધરવામાં આવતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બજારમાં ખુલ્લું ખજૂર વેચતાં વેપારીઓ ફફડ્યા હતાં અને એકશન મોડમાં આવી ગયાં હતાં તેમજ આવાં વેપારીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી.
દુકાનોમાં ચેકીંગ:ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આજે ડભોઈના બજારમાં હાથ ધરેલી ચેકીંગ કામગીરીમાં 10 જેટલી દુકાનોમાં વિવિધ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન બે દુકાનોમાંથી શંકાસ્પદ જણાતાં ખજૂર અને પતાસાના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને તે સીલબંધ કરી આગળ તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વેચાણ કરતાં વેપારી આલમમાં ફફડાટ:ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડભોઇ પંથકમાં ખાદ્ય ચીજ વસ્તુઓ અને ખાણીપીણીનો વેપાર ધંધો કરતા વેપારીને ત્યાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી આ વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હોળી પર્વ નજીક હોવાને કારણે ડભોઇ નગર અને તાલુકાનાં લોકો તહેવારને અનુલક્ષીને વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓ યોગ્ય ગુણવત્તામાં ન મળે તો ભારે રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થાય. જેને અનુલક્ષીને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કરી યોગ્ય ગુણવત્તા ન જણાતી હોય તેવા વેપારીઓને ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જો આ લેવાયેલાં સેમ્પલો ફેઈલ આવશે કે તેમાં કોઈ ગેરરીતિ માલૂમ પડશે તો આવાં વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને દંડનીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ અધિકારીઓએ આપી હતી.