રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મધ્ય ગુજરાતથી દક્ષિણ તરફ આવતા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદની તોફાની ઈંનિગ ચાલી હતી. માત્ર 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર વડોદરા પાણી-પાણી થઈ ગયું હતુ. શહેરના માર્ગોથી માંડી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે વડોદરામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ અંગે રાજ્ય સરકારની 26 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પ્રશાસને અમદાવાદ અને સુરત કોર્પોરેશનની પણ મદદ લીધી છે. વડોદરાની સમીક્ષા દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું હતુ કે, વડોદરાની પરિસ્થિતિ હાલ કાબૂમાં છે. પાણી ઓસરી રહ્યું છે અને ખાલી થતાં જ સર્વે કરનારી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાન રાજકોટ છે, જ્યાંથી તેઓ સ્ટેટ ડિઝાસ્ટર કંન્ટ્રોલ બોર્ડના સંપર્કમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વડોદરામાં રાજ્ય સરકારની 26 ટીમો વરસાદથી થયેલા નુકશાનનો સર્વે કરશે, 1 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવાઈ રાજ્ય સરકારે વડોદરા કલેક્ટરને તાત્કાલિક સહાય અર્થે 1 કરોડ રૂપિયા ચૂકવી દીધાં છે. જેમાં અસરગ્રસ્તોને નુકશાનની સહાય આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 20 લાખ રૂપિયા ફાળવી દેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, હજુ પણ 15 ટીમો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 6998 લોકોને રેસક્યુ કરાયાં છે. જ્યારે 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. વીજળીમાં ગઈકાલ સુધીમાં 48 ફીડર બંધ હતા તે ચાલુ કરાયાં છે. નગરવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળે તે દિશામાં પણ પગલાં લીધાં છે. વડોદરાના તમામ રાજ્યમાર્ગો અને હવાઈ માર્ગો સહિત ટ્રેનો યથાસ્થિતિમાં છે. વરસાદી પાણી ઓસર્યા બાદ ફેલાયેલી ગંદકી દૂર કરવાં માટે સુરત અને અમદાવાદ કોર્પોરેશનની 98 ટીમો કાર્યરત છે.
આગામી સમયમાં રાજ્યના મુખ્પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પરિસ્થિતિ જાણવા માટે વડોદરાની મુલાકાત લેશે. જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને જરૂરી વિચાર-વિમર્શ બાદ આગામી નિર્ણયો લેવામાં આવશે.
વડોદરામાં વરસાદને પગલે સર્જાયેલી હોનારતને પહોંચી વળવા માટે તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન સતત નજર રાખી રહ્યાં હતા. ઉપરાંત NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ હતી, જે સતત ખડે પગે રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યાં હતા. જેમાં 45 જેટલા હાર્ટના દર્દીઓનું જ્યારે 100થી વધુ સગર્ભા મહિલાઓનું રેસક્યુ કર્યું છે.