ગુજરાત

gujarat

By

Published : Feb 8, 2023, 9:10 PM IST

ETV Bharat / state

Shiv Devotees: વડોદરામાં સુવર્ણજડિત શિવજીની પ્રતિમાના મહાશિવરાત્રિએ થશે દર્શન

વડોદરામાં સુરસાગર તળાવ ખાતે 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત શિવજીની પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારે હવે ભક્તો મહાશિવરાત્રિના દિવસથી શિવજીના દર્શન કરી શકશે. આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Shiv Devotees: વડોદરામાં સુવર્ણજડિત શિવજીની પ્રતિમાના મહાશિવરાત્રિએ થશે દર્શન
Shiv Devotees: વડોદરામાં સુવર્ણજડિત શિવજીની પ્રતિમાના મહાશિવરાત્રિએ થશે દર્શન

વડોદરા: મહાશિવરાત્રિના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ દિવસે પરંપરાગત નીકળતી શિવજી કી સવારી માટે તડામાર તૈયારીઓ સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે સૂરસાગરના મધ્યમાં 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત ભગવાન શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, જેના દર્શન શિવભક્તો મહાશિવરાત્રિથી કરી શકશે.

આ પણ વાંચોVadodara Sarveshwar Mahadev Statue : વડોદરામાં પવન દેવે કરાવ્યા મહાદેવના દર્શન, જૂઓ કઈ રીતે

17.5 કિલો સોનું ચઢાવાયુંઃ આપને જણાવી દઈએ કે, 111 ફૂટ ઊંચી ભગવાન શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. સુવર્ણજડિત શિવજીની આ પ્રતિમાના 18મી ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વથી શહેરીજનો દર્શન કરી શકશે. આ પ્રતિમા નિર્માણનો કાર્ય વર્ષ 1996માં શરૂ કરવામાં આવેલ અધ્યાયની સુવર્ણજડિત અનાવરણ સાથે પૂર્ણ થઈ છે.

મહાદાતાઓનું મહાદાન:શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા અમેરિકામાં સ્થાઇ ડૉ. કિરણ પટેલ અને દેશવિદેશના અનેક દાતાઓએ ખર્ચને પહોંચી વળવા દાન આપ્યું હતું. તેમ જ આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ છે, જેનું લોકાર્પણ આગામી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની સંધ્યાએ થવા જઈ રહ્યું છે.

સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા:એક સમયે જેનું નામ ચંદન તલાવડી હતું એવા સૂરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો ઈતિહાસ ખૂબ રોચક છે. વર્ષ 1996માં ઉનાળા સમયે સૂરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી અને પાણી ઉલેચવામાં આવ્યુ હતું. ત્યારે સૂરસાગરની મધ્યમાં પ્રતિમા ઊભી કરી શકાય એવું સ્ટ્રક્ચર દેખાયું ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી. સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધીદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રીએ શિવજીની સવારી નીકળે એવી ઇચ્છા દર્શાવી હતી.

1996માં નિર્માણની શરૂઆત:ધારાસભ્ય યોગેશ પટેલે સૂરસાગરની બરાબર મધ્યમાં પ્રતિમા ઊભી થાય એવું સ્ટ્રક્ચર નિહાળી નક્કી કર્યું હતું કે, દેવાધીદેવની મહાપ્રતિમાનુ નિર્માણ કરવું. શહેરના નિસ્બત અગ્રણી નેતાગણ અને નાગરિકો સમક્ષ યોગેશ પટેલે આ સંકલ્પ રજૂ કર્યો હતો. તત્કાલિન મુખ્યપ્રધાન સુરેશભાઈ મહેતા અને તેમના પ્રધાનમંડળના 11થી વધુ પ્રધાનો તથા શહેરના ગણમાન્ય વ્યક્તિઓના ઉપસ્થિતિમાં વર્ષ 1996ની ગોકુળાષ્ટમીના પાવન પર્વે મહાકાય પ્રતિમાંના ખાતમુહુર્ત સારૂ ભવ્ય નિર્માણ કાર્યનો પ્રારંભ થયો હતો.

પ્રમુખસ્વામીના હસ્તે લોકાર્પણ:પિલાનીના પ્રસિદ્ધ મૂર્તિકાર માટુંરામ વર્મા અને તેમના પુત્રરત્ન નરેશ વર્માએ તે સમયે દેશની સૌથી ઉંચી આર.સી.સી. અને કોપર કોટીંગથી તૈયાર થનારી મૂર્તિ બનાવવાનું કામ હાથમાં લીધું અને સુપેરે પાર પાડ્યું હતું. દેવાધીદેવ મહાદેવની 111 ફૂટ ઉંચી મહાકાય પ્રતિમા તૈયાર થતાં લોકાર્પણ પૂર્વે મૂર્તિની સ્થાપનાના જનક શ્રી સત્યમ્ શિવમ સુંદરમ્ સમિતિ દ્વારા મહાદેવની નામધીકરણ માટે પ્રજાજનો અને ભક્તો પાસેથી નામો મગાવવામાં આવ્યા હતો.

પ્રમુખ સ્વામી મહારાજે આપી હતી નામને સ્વીકૃતિઃ શ્રી સર્વેશ્વર મહાદેવના નામને પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હતી. વર્ષ 2002માં જ્યારે ગોધરાકાંડ સમયે સમગ્ર રાજ્યમાં અશાંતિનો માહોલ હતો. ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વે લાખો ભાવિકભક્તોના અદમ્ય ઉત્સાહ પ્રમુખસ્વામીજીના વરદહસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયુ અને જોતજોતામાં આ પ્રતિમા વડોદરાની ઓળખ બની ગઇ હતી.

સાડા 8 ટનની જીવંત પ્રતિમા:પ. પૂ. સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યકત કરી હતી કે, દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નિકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નિકળવી જોઈએ. યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય ફરી નરેશ માતુરામ વર્માને સોપ્યું. નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર સાડા 8 ટનની બેનમૂન અને જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી હતી.

વર્ષ 2020થી સુવર્ણ આવરણ ચઢાવવાની શરૂઆત:વર્ષ 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો. પહેલી જ યાત્રામાં શહેરની હજારો જનતા લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી. વર્ષ 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની ગયું હતું. વર્ષ 2017માં ભોલેભક્ત યોગેશ પટેલે મિત્રો સમક્ષ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો તો શહેર અને જિલ્લા, દેશવિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી અને ઈતિહાસ રચાયો. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020એ દિવસે એક તરફ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો. બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો.

પરંપરાગત રૂટ મુજબ નીકળશે સવારી:મહાશિવરાત્રિની બપોરે પરંપરા મુજબ, પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ, શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ, દાંડીયાબજાર થઈ સાંજે 7 વાગ્યે સૂરસાગર પહોંચી પરંપરાગત મહાઆરતી યોજાશે. આ મહાઆરતીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જોડાઈ શકે છે. આ મહાઆરતીનો લ્હાવો લેવા હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે. તેમ જ મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકાશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે.

ABOUT THE AUTHOR

...view details