વડોદરાઃ જિલ્લાના ડભોઇનગરમાં સરીતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ સુધી પસાર થતો કેવડીયા સ્ટેટ હાઇવે પર ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારથી માંડીને અત્યાર સુધી જુદી-જુદી જગ્યાઓ પર ઉભરાતી ડ્રેનેજોને કારણે દૂષિત પાણી રોડ ઉપર વહી રહ્યા હતા. આ રોડ પરથી પસાર થતાં સંખ્યા બંધ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગે પર ખોદાયેલા ખાડાઓથી લોકો પરેશાન
છેલ્લા 2 વર્ષથી ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર ઠેર-ઠેર ઉભરાતી ડ્રેનેજોની સમસ્યાના નિરાકરણ માટે 20 ઉપરાંત ખાડા ખોદી ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેનું કામ ગોકડ ગાયની ગતિએ ચાલતુ હોવાથી વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ કામ બે વર્ષે હાથ ધરાયું છે, તેમાં પણ ધીમી ગતીએ કામ થતું હોવાથી આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જ્યારે છેલ્લા 2 વર્ષથી પાલીકા તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યાનું કોઈ નિરાકરણ થયું ન હતું. હવે, તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ રોડ પર 20 ઉપરાંત સ્થળોએ ડ્રેનેજની સમસ્યા નિવારવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે. જેને 15 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતા પણ હજી સુધી ડ્રેનેજની સમસ્યા હલ કરી ખાંડાઓ પુન:પુરાવામાં આવ્યા નથી.
જેને લઈ આ રોડ પરથી પસાર થતા સંખ્યા બંધ વાહનો ખાડામાં પડતા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. આ રોડ પર સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા 6 માસ ઉપરાંતથી બંધ હાલતમાં છે. જેથી રાહદારીઓમાં અકસ્માતનો વધુ ભય સેવાઇ રહ્યો છે. પાલીકા તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક રહિશો અને રાહદારીઓની માંગ છે. તો બીજી તરફ સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. પુરાણી સ્વામીજીએ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી કરી છે.