વડોદરા :વડોદરા શહેરમાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે હનુમાન જયંતી છે ત્યારે શહેરના અતિ સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાંથી હનુમાન જયંતીને લઈ બે શોભાયાત્રાઓ નીકળવાની છે. આ શોભાયાત્રામાં કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે. સાથે આ વિસ્તારમાં પોલીસનો ચાલતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આયોજકો સાથે બેઠક પણ કરાઈ હતી.
ફતેપુરા વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો :શહેરમાં અતિ સંવિધાનશીલ વિસ્તારમાં કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું ફતેપુરા વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા ડીસીપી જે.સી.કોઠીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતી નિમિતે આ વિસ્તારમાંથી બે શોભાયાત્રા નીકળવાની છે.આ શોભાયાત્રાના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી છે. આ યાત્રાના રૂટ પર સુપરવિઝન કરી લેવામાં આવ્યું છે.
બંદોબસ્તમાં કોણ કોણ જોડાશે :આ વિસ્તરમાં શોભાયાત્રામાં બંદોબસ્તના ભાગ રૂપે એક DIG નું સુપરવિઝન, બે DCP, બે એસીપી, 18 પી.આઈ, 26 PSI ,550 હેડ કોન્સ્ટેબલ ASI, 101 એસારપી સહિત ટોટલ 634 પોલીસ જવાનોની તૈનાત આ રૂટ પર રાખવામાં આવી છે. આ સાથે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ , શી ટીમ, ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે. આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરાશે,18 ડીપ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. આ વિસ્તરમાં 15 ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. આ સાથે આ વિસ્તરમાં 2 ડ્રોન કેમેરા દ્વારા સુપરવિઝન કરવામાં આવશે અને બોડીવોર્ન કેમેરાના ઉપયોગ થકી સતત મોનીટરીંગ કરવામાં આવશે.