વડોદરાઃ શહેરના ભીમનાથ બ્રિજ પાસે એક સ્કૂલવાન ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ વાન કેન્દ્રીય વિદ્યાલય-2 તરફ જઈ રહી હતી. આ વાનના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ચાલકને મહા મુસિબતે ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ કેન્દ્રીય વિદ્યાલય-2 તરફ જઈ રહેલી સ્કૂલવાન વડોદરાના ભીમનાથ બ્રિજ પાસેથી એક વિદ્યાર્થીની સાથે પસાર થઈ રહી હતી. આ સ્કૂલવાન એક ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં સ્કૂલવાનના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્કૂલવાનનો 20 વર્ષીય અજય ભરવાડ નામક ચાલક ધાયલ અવસ્થામાં આ વાનમાં ફસાઈ જવા પામ્યો હતો. તેના બંને પગ વાનના ડેમેજ ભાગમાં અટવાઈ ગયા હતા. જો કે વાનમાં હાજર વિદ્યાર્થીનીને કોઈ ઈજા થવા પામી નહતી. વિદ્યાર્થીનીના વાલીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને વિદ્યાર્થીનીને ઘરે લઈ ગયા હતા. ઘાયલ ચાલકને તુટેલી વાનમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. દાંડીયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ડેમેજ વાનના કેટલાક ભાગોને કાપીને ઈજાગ્રસ્ત ચાલકને મહા મુસિબતે બહાર કાઢ્યો હતો.