વડોદરા/નર્મદા: સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ ડેમની સપાટી 138.68 મીટર થઈ છે અને અંદાજે 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદી કાંઠે ન જવા માટે વહીવટી તંત્રએ સૂચનાઓ જારી કરી છે. યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવઘાટના 108 પગથિયાં જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાણોદ ગામલોકોને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા છે.
ચાંદોદમાં બે માળ સુધી પાણી ભરાયા: નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદાના પાણી ગામમાં પ્રવેશી ગયા હતા. જેના પરિણામે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા અને નર્મદા ગાંડીતૂર બની હતી. ગત મોડી રાત્રે લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ચાંદોદ પંથકમાં બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. જેથી સ્થાનિક રહીશો ચિંતાતુર બન્યા હતા. જેથી નગરજનોમાં ભારી ચિંતા વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે.
રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી: ડભોઈના નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનાં અધિકારીઓની ટીમે ચાંદોદની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી. તેમજ તલાટી કમ મંત્રીઓને જેતે ગામોમાં રાત્રિરોકાણ કરી એલર્ટ મોડ ઉપર રહેવાની સુચનાઓ જારી કરી હતી. ચાંદોદ - કરનાળી ખાતે પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્રએ પાંચથી છ પરિવારજનો રેસ્ક્યુ કર્યા હતા. વિકટ પરિસ્થિતિમાં જે પરિવારો છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાન આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ આરંભવી દીધી છે. નર્મદા મૈયાના પાણી સમગ્ર ગામમાં પ્રવેશી જતા વહેલી સવારથી જ વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને વાહનોની જગ્યાએ નગરમાં નાવડિયો ફરતી થઈ હતી.