- દિવાળીના દિવસે સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ
- બંધ પ્રોવિઝન સ્ટોરને બનાવ્યું નિશાન
- મોબાઈલ સહિત 60 હજારની મુદ્દામાલની ચોરી
વડોદરાઃ સાવલી તાલુકાના ગોઠડા ગામમાં એક દુકાનને નિશાન બનાવી તસ્કર ટોળકી મોબાઈલ સમેત અંદાજીત 50 થી 60 હજારની માલમત્તાની ચોરી કરી હતી. આ ચોરી કરી ઈસમો નાસી છુટતા પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા.
દુકાનનું તાળું તુટેલી હાલતમાં મળી આવ્યું
ગોઠડા ગામમાં ભદ્રેશ શાહ અનાજ, કરિયાણું સહિતનો પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. ગતરાત્રે તેઓ રાબેતા મુજબ 9 વાગ્યે પ્રોવિઝન સ્ટોર બંધ કર્યો હતો. તેમજ વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની સુમારે પ્રોવિઝન સ્ટોર ખોલવા જતા તાળું અને નકુચો તૂટેલી હાલતમાં નજરે પડ્યો હતો. જેઓએ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતાં એક મોબાઈલ ફોન અને ગલ્લામાં મુકેલા 40 થી 45 હજાર રોકડ જણાઈ આવી ન હતી. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ આ અંગે ગામના સરપંચ સૈયદ મહંમદઅલીને બનાવ અંગેની જાણ કરી હતી. જેથી સરપંચ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામમાં ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી.