વડોદરાઃ શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછના બહાને લવાયેલા શખ્સ શેખબાબુની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહનો નિકાલ કરવાના બનાવમાં સંડોવાયેલા PI અને PSI સહિત 6 પોલીસ જવાનોના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યુડિસ્યલ મેજિસ્ટ્રેટએ તમામ આરોપીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ રિમાન્ડ અરજીમાં હત્યાના કાવત્રામાં કોણ કોણ સામેલ હતા અને મૃતદેહના નિકાલમાં એકથી વધુ વાહનોનો ઉપયોગ થયો હોવાની રજૂઆત સાથે રિમાન્ડની માંગણી કરતું સોગંદનામુ રજૂ કર્યું હતું.
બે દિવસ પહેલા શેખબાબુ હત્યા કેસમાં PI ધર્મેન્દ્રસિંહ ગોહીલ, PSI દશરથ રબારી, ચાર કોન્સ્ટેબલ પંકજ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, રાજેશ ગડચર અને હિતેશ બાંભણીયા CID ક્રાઇમ સમક્ષ હાજર થતાં એસ.પી. ડો.ગીરીશ પંડ્યાએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ અરજીમાં એપીપી મિત્તલ બુચ હાજર રહ્યાં હતા.