વડોદરાઃ 23મી જૂને બપોરે 2ઃ30 કલાકે રેલવે સ્ટેશનથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવીને સયાજીબાગ કાલા ઘોડા સર્કલ, સલાટવાડા, કોઠી ચાર રસ્તા, સુરસાગર, દાંડિયા બજાર, રાજમહેલ રોડ, મદનઝાપા રોડ થઈને બેઠક મંદિર પાસે સમાપન કરવાની યોજના હતી. ઈસ્કોન મંદિરના વહિવટકર્તા ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસજીએ તાજેતરમાં પોલીસ તંત્ર પાસે રથયાત્રા કાઢવા માટે મંજૂરી માગી હતી.
વડોદરામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે પોલીસે રથયાત્રાની મંજૂરી ન આપી - corona pandemic in Vadodara
વડોદરા શહેરમાં છેલ્લા 38 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને આ વર્ષે કોરોના વાઇરસનું ગ્રહણ નડ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણને વિસ્તરતો અટકાવવા માટે શહેર પોલીસ તંત્રએ 23મી જૂન અષાઢી બીજના રોજ યોજાનારી રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપી નથી.
કોરોના વાઇરસના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને રથયાત્રાને મંજૂરી આપવામાં આવતી નથી, તેવી નોંધ સાથે દેશની સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા અને રાજય સરકારની માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતે રથયાત્રા યોજવાની મંજૂરી આપી નથી.
આ શહેરોમાં નહીં યોજાય રથયાત્રા
- અમદાવાદ
- સુરત
- પાટણ
- વડોદરા
સ્પેશિયલ બ્રાન્ચના ACP તેજલ પટેલે મંદિરને આ સંબંધમાં લેખીતમાં જાણ કરી છે. ઈસ્કોન મંદિરના વહીવટકર્તા નિત્યાનંદજીએ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોરોના વાઇરસની મહામારીના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટનો નિર્ણય અપેક્ષિત હતો. સાંજે અમે ભગવાનને એક રથમાં બેસાડીને મંદિરમાં યાત્રા કરાવીશું. ભક્તજનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.