વડોદરા: હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓ અને વિજીલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં યુનિવર્સિટીએ જી.એસ. બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન કરીને યુનિવર્સિટી સામે રોષ ઠાલવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી સહિત વિવિધ ફેકલ્ટીઓના 3 માસ પૂરા થવા આવ્યા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા અનેક વખત પરિણામો જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. તેમ છતાં યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા પરિણામ જાહેર કરવામાં ન આવતા ઓલ ઈન્ડિયા ગુજરાત સ્ટૂડન્ટ યુનિયન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં ઓલ ઈન્ડિયા ગુજરાત સ્ટૂડન્ટ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન - મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના પરિણામો જાહેર કરવાની માગ સાથે ઓલ ઇન્ડિયા ગુજરાત સ્ટૂડન્ટ યુનિયન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે ગયું હતું. જ્યાં વિજીલન્સની ટીમે વિદ્યાર્થીઓને ઓફિસમાં જતાં રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન યુ.જી.એસ. રાકેશ પંજાબી બેભાન થઇ જતાં તેઓને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીની તબિયત લથડતા તેમના સમર્થક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાવાળાઓ અને વિજીલન્સ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, અને હોબાળો મચાવ્યો હતો.
વિજીલન્સ દ્વારા બળ અને સત્તાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમની ન્યાયિક રજૂઆત કરવા માટે જવા ન દેવાતા મોટી સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ બહાર રામધૂન શરૂ કરી દીધી હતી. જો કે,આ પછી પણ યુનિવર્સિટી સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને દાદ આપી ન હતી. વિદ્યાર્થી અગ્રણી રાકેશ પંજાબીએ ચિમકી આપતા જણાવ્યું હતું કે, વહેલી તકે યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં નહિં આવે તો વિદ્યાર્થી સંગઠન દ્વારા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.