વડોદરાઃ શહેરના બાપોદ પોલીસ સ્ટેશન પાછળ આવેલા તળાવ પાસે વૃંદાવન 2 થી કૃષ્ણનગર જતા હાઇવે સુધીના સમાતંર માર્ગ પર મુસદ્દારૂપ યોજના 44 ના 18 મીટરના માર્ગ પર ઘણા રહીશોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દીધુ હતું. આ સમગ્ર મામલે તંત્રને જાણ થતા પાલિકાના જમીન મિલકત અમલદાર દ્વારા અહીના રહીશોને તેમના દબાણો દૂર કરવા નોટીસ આપી હતી.
વડોદરામાં બાપોદ વિસ્તારમાં સ્થાનિકોએ કરેલા દબાણો તંત્રએ કર્યા દૂર - Vrindavan 2
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં મુસદ્દારૂપ યોજના 44 ના 18 મીટરના રોડ પર સ્થાનિક રહીશોએ ઓટલા શેડ, ફેન્સીંગ, વાડ સહિતના દબાણો કર્યા હતા. આ સમગ્ર મામલે તંત્રને જાણ થતા પાલિકાના જમીન મિલકત અમલદાર દ્વારા ગુરૂવારના રોજ દબાણ દૂર કરવા નોટીસ આપી હતી.
તેમ છતાં અહીંના દબાણો દુર કરવામાં આવ્યા નહોતા. આખરે ગુરૂવારના રોજ પાલિકાની દબાણ શાખાએ બાપોદ પોલીસની મદદ લઈ અહીંના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી શરૂ કરવા જતાં સ્થાનિક રહીશો સાથે રકઝક થતા હાજર જવાનોએ તેમને સમજાવી મામલો થાળે પાડી સમગ્ર દબાણો દૂર કરાવ્યા હતા.
પાલિકાના આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, સ્ટ્રીટ લાઇટ, જીઇબી સહિતના સ્ટાફને સાથે રાખી ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અહીં 45 જેટલી જગ્યાનું વધારાનું બાંધકામ દૂર કરાયું હતું.