વડોદરા:મકરસંક્રાતિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાઇનિઝ દોરા વેચાણ કરતા શખ્સ પર પોલીસની નજર મંડાયેલી છે. વડોદરામાં બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી મકરસંક્રાતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરી વેચાણ કરતા એક ઇસમને પોલીસે પકડી પાડ્યો (12 arrested for selling Chinese dori ) છે. તો ગ્રામ્ય એસઓજી દ્વારા મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે અને શહેર પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.
બપોદ પોલીસની કાર્યવાહી: મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમ્યાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલનુ વેચાણ કરતા હોય છે અને ચાઇનીઝ દોરી પણ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાનો અને જાન માલને નુકશાન થવાનો ભય હોય છે. ત્યારે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ ઉપર તેમજ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ વેચાણ કરતા એક ઇસમને બાપોદ પોલીસે ઝડપી પાડ્યો છે.
ચાઈનીઝ દોરી તુકકલ સાથે એક ઈસમ ઝડપાયો: આ બનાવની વિગત મુજબ પોલીસ જ્યારે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે કમલાનગર શાક માર્કેટ પાસે મકાનની આગળ વરંડામાં એક ઇસમ ચાઇનીઝ રીલ નંગ-30 કિંમત રૂ.9000 તથા ચાઇનીઝ તુક્કલ નંગ-10 કિંમત રૂ.500 તથા MI કંપનીનો મોબાઇલ ફોન કિંમત-5000નો કુલ કિંમત રૂ.14,500 મુદ્દામાલ સાથે બાપોદ પોલીસે પકડી પાડ્યો હતો. આ પકડાયેલ આરોપી દિનેશભાઇ કાંતિભાઇ પ્રજાપતિ (રહે.વડોદરા) અને વોન્ટેડ આરોપી રેહાનભાઇ રેહમાનભાઇ ગોલાવાલા (રહે,વડોદરા).
વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીની કાર્યવાહી:બીજા એક કેસમાં વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીની ટીમ ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે માહિતી મળી હતી કે પલાસલાડા ખાતે દરબાર રેસીડેન્સીમાં રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલા નામનો ઇસમ પોતાના ઘરે ચાઇનીઝ દોરા રાખી ચોરીછુપીથી વેચાણ કરે છે. પોલીસે અહી રેડ પાડી ઘરેથી સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 420 નંગ રીલો કિં રૂ.1,26,000ના મુદ્દામાલ સાથે અહેમદ અબ્દુલ રહેમાનને પકડી પાડ્યો હતો.
શહેર પોલીસની પ્રેસ કોન્ફરન્સ: શહેરમાં વેચાઈ રહેલ ચાઈનીઝ દોરી મામલે શહેર પોલિસ દ્વારા બે નાગરિકોના મોત બાદ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કંટ્રોલ એસીપી એ એમ સૈયદ દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે શહેરમાં વેચાતી ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત ચીજવસ્તુ મામલે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં 60 થી વધુ સ્થળો પર તપાસ કરવામાં આવી છે જેમાં થઈ 9 જગ્યાઓ પર હાલ સુધીમાં ચાઈનીઝ દોરી મળી આવી છે જેમાં 1 લાખથી વધુનો મુદ્દામાલ અને 12 ઇસમોની અટકાયત કરવામાં આવી છે. શહેરના તમામ નાગરિકોને અપીલ કરીયે છીએ કે આવી દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે અન્ય ઘાતક દોરીનો શક્ય હોય તો ઉપયોગ ન કરવો જોઈએ. અને ચાઈનીઝ દોરી વેચનાર ઇસમોને ઝડપી પાડવા માટે ની ઝુંબેશ ચાલુજ રહેશે.