દેશભરમાં નાગરીકતા કાયદા અંગે ભિન્ન મત પ્રવર્તી રહ્યાં છે. એકતરફ લોકો કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. તો બીજીતરફ તેનો ભરપૂર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. CAA સામેના હિંસક વિરોધ પ્રદર્શનથી આજદીન સુધી વડોદરા અલિપ્ત રહેવા પામ્યું હતું. જોકે, ચારેક દિવસ પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ ભવન સહીતના સ્થળે ગ્રેફીટી કરીને વિરોધ પ્રદર્શિત કરાયા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી વડોદરામાં પણ CAA સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતાં. ગઈકાલે વડોદરા બંધનું એલાન અપાયું હતું. પરંતુ, શહેરની શાંતિ અકબંધ રહી હતી.
વડોદરામાં CAAના વિરોધમાં ક્યાંક મૌન રેલી તો ક્યાંક પોલીસ પર પથ્થરમારો, વાંચો દિવસભરનો ઘટનાક્રમ
વડોદરાઃ ગુરુવારના રોજ ફતેપુરા, હાથીખાના, કુંભારવાડ જેવા વિસ્તારોમાં પોલીસ અને મીડિયા કર્મીઓને ટાર્ગેટ કરી પત્થરમારો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બપોરે માંડવી ખાતે CAAનો મૌન વિરોધ કરાયા બાદ પત્થરમારાની ઘટનાઓ બની હતી.
ગુરુવારના રોજ બપોરના સમયે લઘુમતિ કોમના અગ્રણીઓ દ્વારા માંડવી ખાતે CAA સામે મૌન વિરોધ કર્યો હતો. બાદમાં અચાનક જ ફતેપુરા, હાથીખાના, કુંભારવાડ જેવાં લઘુમતિ કોમના વિસ્તારોમાં પોલીસને ટાર્ગેટ કરીને પત્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ મિડીયા કર્મીઓને પણ ટાર્ગેટ કરાયા હતાં.
પત્થરમારાને પગલે રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ, સોશિયલ મિડીયામાં પણ પત્થરમારાની વિગતો વહેતી થતાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. જો કે, પોલીસ તંત્ર પત્થરમારો કરનારા તત્વોને ઝબ્બે કરવા માટે એક્શનમાં આવી ગયું હોવાનું જાણવા મળે છે. પત્થરમારો કરતાં તત્વોને ડામવા પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતાં.