વડોદરાઃ શહેરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોનો વ્યાપ વધવા માંડ્યો છે. જ્યારે લોકડાઉન 4.0 ની જાહેરાત વચ્ચે મંગળવારથી કેટલીક છૂટછાટ સાથે લોકોને થોડી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારે, આજે વધુ નવા 18 કેસો સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 730 નોંધાયો હતો.
વડોદરામાં ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો બીજા વિસ્તારમાં જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો - વડોદરામાં કોરોનાના કુલ કેસ
વડોદરામાં ક્વોરેન્ટાઇન કરાયેલા વિસ્તારમાંથી લોકો નોન ક્વોરેન્ટાઇન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે પથ્થરગેટ ઉપલા ફળિયાના રહીશોએ વિરોધ નોંધાવતા પોલીસને સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી.

વડોદરા ક્વોરેન્ટાઇન અને નોન ક્વોરેન્ટાઇન એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. શહેરના રાજમહેલ રોડ પર કાછીયા પોળમાં પણ 5થી 7 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધવામાં આવતા પતરાની આડસ મૂકી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં આ વિસ્તારમાંથી કેટલાક લોકો પાછળના ભાગે પથ્થરગેટ રોડ ઉપલા ફળિયા જે નોન ક્વોરેન્ટાઇન વિસ્તાર છે, તેમાંથી ચાલતા અને વાહન લઈને પસાર થતા ત્યાનાં રહીશોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઈ આજે રહીશોએ ભેગા થઈ વિરોધ નોંધવ્યો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામા આવતા નવાપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોને સમજાવ્યા હતા.