પાદરા : પાદરાના કેટલાક ગામોમાં દીપડાના આતંક વિશે ફરિયાદો ઉઠી હતી. જેને લઇને મેઢાદ સરપંચ દ્વારા વન વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. વનવિભાગે દીપડાને પકડવાની કાર્યવાહી કરતાં એક માસ અગાઉ મેઢાદ ગામની સીમમાં પાંજરું મૂક્યું હતું. છેવટે દીપડાને પકડવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં પ્રાણી જીવ રક્ષક સંસ્થાના કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પાદરાના હુસેપુર અને મેઢાદમાં આતંક ફેલાવતો દીપડો પકડાયો - વડોદરા વનવિભાગ
પાદરાના હુસેપુર અને મેઢાદ ગામની સીમમાંથી અનેક પશુઓનું મારણ કરનાર દીપડો આખરે પકડી લેવામાં આવ્યો છે. આ દીપડાને પાંજરે પુરીને પાદરા વનવિભાગ ખાતે લઇ જવામાં આવ્યો છે.
![પાદરાના હુસેપુર અને મેઢાદમાં આતંક ફેલાવતો દીપડો પકડાયો પાદરાના હુસેપુર અને મેઢાદમાં આતંક ફેલાવતો દીપડો પકડાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6348975-thumbnail-3x2-dipdo-gjc1004.jpg)
પાદરા વનવિભાગે દીપડાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગતવર્ષે કરજણ તાલુકાના વિરજાઈ પાસે પણ દીપડો પકડાયો હતો.વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદથી લઈને નેદ્રા સુધી આવેલી વિશ્વામિત્રી અને ઢાઢર નદીના કિનારે છેલ્લા બે વર્ષથી ઝાડીઝાખરોમાં આ દીપડો ફરતો હતો. ઘણાં દિવસોથી પાદરા તાલુકાના ગામોમાં દીપડાએ અનેક પશુઓને શિકાર બનાવ્યાં હતાં. પાદરાના પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્યએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે દીપડો જોવા મળંતા તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે અને વનવિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દીપડાને વનવિભાગમાં લવાયો છે. આ દીપડાએ ઘણાં પશુઓના મારણ કર્યાં હતાં. દીપડાને ટેગ કરીને જાંબુઘોડાના જંગલમાં છોડી દેવામાં આવશે.