હોકી રમતના યશસ્વી એવા 22 વર્ષીય યશ ગોંડલીયા ભારતના 30 ટોપ હોકી ખેલાડીઓમાં રમી ચૂક્યા છે, એટલે એમ પણ કહી શકીએ કે ભારતના 30 ટોપ હોકી ખેલાડીમાંથી એક ગુજરાતમાં છે જે તેના નામ મુજબ ખરા અર્થમાં યશસ્વી છે. યશને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમી ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરવાની ઈચ્છા છે. તેને વર્ષ 2020માં ગોલ્ડ સાથે ઓલ્મિપિક જીતી લાવવાની ધગશ અને ઉત્કંઠા છે. યશ ગોંડલીયા રાજય સરકારની સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત હોકી એકેડમી ગુજરાત ખાતે પદમશ્રી ધનરાજ પિલ્લાઇ અને અન્ય કોચના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
યશ ગોંડલીયા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત હોકી એકેડમી હોસ્ટેલમાં રહીને આ તાલીમ મેળવી છે. તેમને રાજય સરકાર દ્વારા સંચાલિત આ એકેડમીમાં ખોરાક, રમતના અદ્યતન સાધનો, રમત માટેનો યુનિફોર્મ અને હોકી માટેની ઉત્કૃષ્ટ તાલીમ તેમજ પ્રેક્ટિસ માટેની સુવિધાઓ ઉપરાંત રમત માટેનો માહોલ મળી રહે છે. અમારી ટીમ મેદાન પર ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીમાં જીત અપાવવાના મંત્ર સાથે સખત મહેનત કરતા હોઇએ છીએ. દિવસના સરેરાશ આઠ થી દશ કલાક પ્રેક્ટિસ કરવાની હોય છે. ઘરેબેઠાં આ ક્યારેય શક્ય ન બને પણ અહીં હોકી એકેડમી ગુજરાત-વડોદરા ખાતે શક્ય બન્યું છે જે દરેક ખેલાડીનું સ્વપ્ન પણ સાકાર કરવામાં મદદરૂપ થશે.
ગુજરાત રાજય સરકારે રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂં પાડવા ખેલમહાકુંભનું આયોજન કર્યુ. રાજયના ખૂણે-ખૂણે પડેલી અનેક પ્રતિભાઓને ખેલ મહાકુંભને લીધે એક માધ્યમ મળ્યું છે. પ્રતિભા હોય પણ તે પ્રતિભાને દર્શાવવા કે અભિવ્યક્ત કરવા કોઇ માધ્યમ કે પ્લેટફોર્મ ન હોય તો રાજય-રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની કે પોતાની આવડત દર્શાવવાની તકથી ખેલાડી વંચિત રહી જાય છે. યશ પોતાની જોતન અને બીજા કેટલાય ખેલાડીઓને નસીબદાર માનું છું જેમને રાજય સરકાર દ્વારા રહેવા-જમવા અને રમવા માટેની અદ્યતન સુવિધા અને લેજેન્ડ કહી શકાય તેવા કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ મળી રહી છે. રાજય સરકારના આ પીઠબળ થકી વિવિધ રમતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફલક મળ્યું.
યશસ્વી ખેલાડી યશે કહ્યું કે, તેઓ સૌરાષ્ટ્રમાંથી એક માત્ર એવા હોકી પ્લેયર છે જેને ઇન્ડિયા કેમ્પ કરવાની તક સાંપડી હોય આ ઉપરાંત એર ઇન્ડિયા હોકી ટીમમાં ઓલ્મિપિક રમ્યા વિના અને ગુજરાતી હોય તેવા એકમાત્ર હોકી ખેલાડી છે. આમ, હોકી રમતના ક્ષેત્રમાં એકસાથે રેકોર્ડબ્રેક કરવાની સિધ્ધી તેમના ફાળે જાય છે.
યશે વર્ષ 2015 અને વર્ષ 2016માં ઇન્ડિયા કેમ્પ કરીને વર્ષ 2017માં હોકી ઇન્ડિયા સિનિયર નેશનલ લખનઉમાં રમત રમીને સારું પ્રદર્શન કર્યુ છે. વર્ષ 2017માં હોકી ઇન્ડિયા સિનિયર નેશનલ લખનઉ ખાતે રમાઇ હતી તેમાં ગુજરાત હોકી ટીમે સારું પ્રદર્શન કર્યુ. તાજેતરમાં પુણે મહારાષ્ટ્ર ખાતે લેટ હુસૈન ટુર્નામેન્ટ યોજાઇ હતી અને યશ અને ગુજરાત હોકી ટીમ રનરઅપ થઇ હતી. બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ યશને ખાતે જમા છે. આ અગાઉ વર્ષ 2014માં એર ઇન્ડિયાની હોકી ટીમમાં ધનરાજ પિલ્લાઇ દ્વારા યશની પસંદગી કરવામાં આવી હતી.યશ ગોંડલીયા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત હોકી એકેડમી હોસ્ટેલમાં રહીને આ તાલીમ મેળવે છે.