વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 230 કરોડના વિકાસના વિવિધ કામોનું ઈ-ખાત મૂર્હુત અને લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નરેન્દ્રમોદીનો યુગ ઈમાનદારીનો યુગ છે એટલે વિકાસ થઈ રહ્યો છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં રૂપિયા 11,000 કરોડના વિકાસ કામો પુર્ણ કરવામાં આવ્યાં છે. વડોદરા શહેરને રૂપિયા 400 કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ કોંગ્રેસના ઈશારે કરામત કરવાની બંધ કરે અધિકારીઓ નાની મોટી કરામતો કરવાથી દૂર રહે એવી સાંકેતિક ચેતવણી આપતા પ્રધાન યોગેશ પટેલે જણાવ્યું કે, VMCના અધિકારીઓ ચૂંટણી વખતે ઘણી જગ્યાએ કોંગ્રેસના કહ્યાગરા બની જાય છે. એમના કહેવાથી જે તે વિસ્તારમાં પાણી, વીજળી બંધ કરી દેવાતું અને પછી એમના કહેવાથી ચાલું થતાં તેઓ વાહવાહી લૂંટતા હતા. હવે આ કિમિયા નહિ ચાલે. શાસન તો ભાજપનું જ આવવાનું છે એ સમજી લેજો. મ્યુનિસિપલ કમિશ્નર પણ આવા અધિકારીઓને સમજી નિયંત્રણ રાખે તેમ જણાવી તેમણે આગળ કહ્યુ કે, બે મહિનામાં રાજ્ય સરકારે 4.25 કરોડના વિકાસ કામો કર્યા છે તો સતત 5 વર્ષ વિકાસ કર્યો છે. ત્યારે પક્ષના નગર સેવકો તમામ બેઠકો જીતવા કમર કસી રહ્યા છે. નવા સીમાંકનનો લાભ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરે અને બાકી વિકાસ કામો સત્વરે પૂરાં કરાવવા લોકોનો ટેકો મળશે. નર્મદા રાજ્યપ્રધાન યોગેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પાણી માટે મોરચા નીકળ્યા હતા. તે અંગે જાણકારી મેળવી તો જાણવા મળ્યું હતું કે આ મોરચા કોંગ્રેસ પ્રેરિત હતા. તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરને પીવાના પાણીની તંગી પડે નહીં તેને ધ્યાનમાં રાખી પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે. જે અંગે આગામી મંગળવારે અધિકારીઓ સાથે બેઠક યોજવાનું નક્કી કર્યું છે.